દશેરા પહેલા સરકારની ભેટ : પોસ્ટ ઓફિસની આ યોજનાઓમાં હવે મળશે વધુ વ્યાજ!
સતત વધી રહેલા રેપો રેટને કારણે સરકારે બચત યોજનાઓ પર વ્યાજમાં વધારો કર્યો છે. તેથી પોસ્ટ ઓફિસની લોકપ્રિય યોજનાનાં કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરનારાઓ માટે બે ફેરફારો કરવામાં આવ્યા છે.
રોકાણ કરનારાઓને મોટી ભેટ:
તહેવારોની સિઝન વચ્ચે કેન્દ્ર સરકારે સ્મોલ સેવિંગ સ્કીમ્સ (Small Saving Schemes)માં રોકાણ કરનારાઓને મોટી ભેટ આપી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) રેપો રેટમાં સતત વધારો કરી રહી છે. આને ધ્યાનમાં રાખીને સરકારે સ્મોલ સેવિંગ્સ સ્કીમ(Small Saving Schemes)માં જમા રકમ પર વ્યાજમાં વધારો કર્યો છે. સરકારે ત્રિમાસિક યોજનાઓ પર નવા વ્યાજ દરો જાહેર કર્યા છે. જેમાં કેટલીક નાની બચત યોજનાઓ પર 0.3 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે સરકારે 27 મહિના પછી નાની બચત યોજનાઓ પર વ્યાજદર વધાર્યા છે.
ત્રણ વર્ષ માટેનાં રોકાણ પર વ્યાજમાં વધારો :
નવા વ્યાજના દરો અનુસાર, પોસ્ટ ઓફિસમાં ત્રણ વર્ષ સુધી જમા રકમ પર હવે 5.8 ટકા વ્યાજ મળશે. અગાઉ તે 5.5 ટકા હતો. જ્યારે બે વર્ષની થાપણો પર વ્યાજ દર 5.5 ટકાથી વધારીને 5.7 ટકા કરવામાં આવ્યો છે. ઉપરાંત, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS) પર પણ હવે 7.6 ટકા વ્યાજ મળશે, જે અત્યાર સુધી 7.4 ટકાના દરે મળતું હતું.
કિસાન વિકાસ પત્રના નિયમોમાં ફેરફાર :
પોસ્ટ ઓફિસની લોકપ્રિય યોજના કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરનારાઓ માટે બે ફેરફારો કરવામાં આવ્યા છે. આ યોજના પર ઉપલબ્ધ વ્યાજ દરમાં વધારા સાથે, કિસાન વિકાસ પત્રની પાકતી મુદતમાં ઘટાડો કરવામાં આવ્યો છે, કિસાન વિકાસ પત્ર યોજનામાં રોકાણ કરનારાઓને હવે થાપણો પર 7.0 ટકાના દરે વ્યાજ મળશે, ઉપરાંત આ યોજના હવે 124 મહિનાને બદલે 123 મહિનામાં પરિપક્વ થશે. આ સાથે માસિક આવક ખાતા યોજના પર વ્યાજ દર 6.6% થી વધારીને 6.7% જેટલો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ‘સોલાર રૂફટોપ સિસ્ટમ’ સ્થાપનામાં ગુજરાત પ્રથમ સ્થાને, યોજનાનો સમયગાળો લંબાવાયો