ચૂંટણી જાહેર થતાં જ અચાનક શરૂ થઈ બેંકોમાં 2000 અને 500ની નોટોની તંગી, શું છે કારણ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતા જ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના તમામ મહાનગરોની બેંકોમાં રુ. 2000 અને 500ની મોટી નોટોની તંગી સર્જાય રહી છે. બેંકોમાં મોટી રકમની ચલણી નોટોની તંગી સર્જાતા રુ. 2,000 અને 500ની ચલણી નોટો જાણે અદ્રશ્ય થઈ ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે આ થવા પાછળનું કારણ એ છે કે ચૂંટણીમાં બ્લેક મનીના કરોડો રૂપિયા ખર્ચાતા હોય છે. ત્યારે જો મોટી રકમની ચલણી નોટો હોય તો આ કરોડોનું કાળું નાણું એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં સરળતાં રહે.
ચૂંટણી આવતા બેંકો માંથી મોટી નોટો ગાયબ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે આ ચૂંટણી દરમિયાન અંદાજે દોઢથી બે હજાર કરોડનો ખર્ચ થતો હોય છે. જેમાં મોટા ભાગની રકમ બ્લેક મની હોય છે. ત્યારે ચૂંટણી જાહેરાત થતાની સાથે કેન્દ્રીય ચૂંટણી પંચ પણ પોતાના કામમાં લાગી જાય છે અને ક્યાં શુ થઈ રહ્યું છે તેની ચારેય બાજુ નજર માંડીને બેઠુ હોય છે. ત્યારે આ કાળા નાણાંની કે બેહિસાબી નાણાંની મોટા પ્રમાણમાં થતી હેરફેર રોકવા માટે અવનવા પગલાઓ લેવાય છે અને ટીમો પણ મુકી સઘન ચેકિંગ કરવામાં આવે છે. ત્યારે દરેક રાજકીય પક્ષ અને દરેક ઉમેદવાર ચૂંટણીમાં જે રીતે ખર્ચો કરે છે તે ચૂંટણી પંચની ખર્ચ મર્યાદામાં શક્ય જ નથી. નાછૂટકે પણ રાજકીય પક્ષો અને ઉમેદવારોએ બ્લેક મનીનો સહારો લેવો જ પડે છે. ત્યારે આ મોટી રકમની ચલણી નોટો હોય તો જ સલામત રીતે હેરફેર કરી શકે છે. જો નાની રકમની એટલે કે 50 રૂપિયા કે 100 રૂપિયાની ચલણી નોટો હોય અને કરોડોની રકમમાં જો તેની હેરાફેરી કરવી આસાન બને છે તેમજ તંત્રની નજરથી પણ બચી શકાય છે.
આ પણ વાંચો:વિધાનસભા ચૂંટણી દરમ્યાન તંત્ર આવ્યું હરકતમાં : હેલ્પ લાઇન નંબર પર તમામ ફરિયાદોનું મળી જશે નિરાકરણ
બેંકોમાં રહેલી મોટી નોટોની બેલેન્સ પણ ઘટી
જેની અસર હવે તમામ મોટા નગરોની બેંકો પર પડી રહી છે. રાજકીય પક્ષો અને ઉમેદવારોએ બજારમાંથી બે હજારની અને પાંચસોની નોટો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. જેના કારણે બેંકના ભરણામાં આ મોટી નોટો આવવાનું નહીંવત્ થઈ ગયું છે. આ ઉપરાંત બેંકોમાં રહેલી બે હજારની અને પાંચસોની નોટો પણ રાજકીય પક્ષો અને ઉમેદવારો યેનકેન પ્રકારે મેળવી રહ્યાં છે. તેથી બેંકોમાં રહેલી મોટી નોટોની બેલેન્સ પણ ઘટી ગઈ છે. આમ, ચૂંટણી જાહેર થતાં જ જાણે 2,000 અને 500 રૂપિયાની નોટો અદ્રશ્ય જેવી થઈ ગઈ છે.
દિવાળીમાં પણ નવી નોટોની તંગી સર્જાય હતી
હમણાં જ દિવાળીના તહેવારો સંપન્ન થયા. તે વખતે સામાજિક રીત-રીવાજો નિભાવવા નવી નોટોની માંગ નીકળી હતી. એક તબક્કે 10 રૂ., 20 રૂ., 50 રૂ. અને 100 રૂપિયાની નવી નોટોના બંડલ માટે 70થી 100 રૂપિયાના ઓન બોલાતા હતા. હવે આ જ સ્થિતિ ચૂંટણીના કારણે મોટી નોટોની થઈ છે. મોટી નોટો એટલે કે 2,000 રૂપિયા અને 500 રૂપિયાની નોટોના બંડલ માટે પણ ઓન બોલાવા લાગ્યા છે.