ઉપરવાસમાં વરસાદને કારણે બનાસ નદીમાં જળસ્તર વધ્યું, ખેડૂતોમાં ખુશી છવાઈ
પાલનપુર, 28 ઓગસ્ટ 2024, રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાંથી પસાર થતી બનાસ નદીમાં ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે જળ સ્તરમાં વધારો થતાં લોકો સહિત ધરતી પુત્રોમાં ખુશી છવાઈ છે. જોકે બનાસ નદીમાં પાણી વધતા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધી રહી છે.
બનાસ નદીના જળ સ્તરમાં વધારો થયો
રાજસ્થાનના ઉદેપુર નજીકથી નીકળતી અને અમીરગઢ નજીકથી ગુજરાતમાં પ્રવેશ કરતી લોકમાતા બનાસ નદીમાં છેલ્લા કેટલાક સમયથી પાણીનો અવરિત આવરો ચાલુ છે. પરંતુ મંગળવારે અંબાજી તેમજ આબુરોડ વિસ્તારમાં સારો વરસાદ પડ્યો હોવાથી અમીરગઢ તાલુકામાંથી પસાર થતી બનાસ નદીના જળ સ્તરમાં વધારો થયો છે.
વહેતા પાણીમાં નહીં જવા માટે લોકોને અપીલ
અત્રે ઉલ્લેખનીય છે કે, અમીરગઢ તાલુકામાંથી બનાસ બાલારામ નદી સહિત ખડેડો, બબુકારી, કલેડી નદી પસાર થાય છે. તંત્ર દ્વારા વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી જે નદી નાળાઓ ના વહેતા પાણીમાં નહીં જવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃબનાસકાંઠા: ડીસામાં એનડીઆરએફની ટીમે નદીકાંઠાના ગામોની મુલાકાત કરી