ગુજરાતમાં ઠેર ઠેર ખાડાવાળા રસ્તાના કારણે સામાન્ય લોકોનો આરોગ્ય ખર્ચ વધ્યો
- ખાડાવાળા રોડ ઉપર ઊડતી ધૂળ-રજકણોથી શ્વાસની બીમારી વકરી
- વિવિધ ઈમરજન્સીમાં 5થી 38 ટકાનો વધારો જોવાયો છે
- શ્વાસને લગતી તકલીફના કેસમાં અમદાવાદમાં 38.80 ટકા જેટલો જંગી વધારો
ગુજરાતમાં ઠેર ઠેર ખાડાવાળા રસ્તાના કારણે સામાન્ય લોકોનો આરોગ્ય ખર્ચ વધ્યો છે. જેમાં ખાડાવાળા રોડ ઉપર ઊડતી ધૂળ-રજકણોથી શ્વાસની બીમારી વકરી છે. ખાડા વાળા જર્જરિત રસ્તાને લીધે ઠેર ઠેર ઊડતી ધૂળની ડમરીના રજકણના કારણે શ્વાસ લેવાની તકલીફમાં પણ ઓચિંતો વધારો જોવાયો છે.
આ પણ વાંચો: અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશનનું રિનોવેશન થતા AMTS અને BRTS બસ રૂટમાં ફેરફાર કરાયા
શ્વાસને લગતી તકલીફના કેસમાં અમદાવાદમાં 38.80 ટકા જેટલો જંગી વધારો
ગત વર્ષની સરખામણીએ 108 ઈમરજન્સી એમબ્યુલન્સમાં છેલ્લા 10 દિવસમાં શ્વાસને લગતી તકલીફના ગુજરાતમાં 33 ટકા અને અમદાવાદમાં 38.80 ટકા જેટલો જંગી વધારો નોંધાયો છે. પહેલીથી 10મી સપ્ટેમ્બરે ગુજરાતમાં 3,778 કેસ આવ્યા છે જ્યારે અમદાવાદમાં 1,066 કોલ્સ નોંધાયા છે, જેમાં દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલે સારવાર માટે ખસેડવા પડયા છે. ગત વર્ષ 2023માં આ જ સમયગાળામાં ગુજરાતમાં 2,828 અને અમદાવાદમાં 768 ઈમરજન્સી કેસ નોંધાયા હતા.
વિવિધ ઈમરજન્સીમાં 5થી 38 ટકાનો વધારો જોવાયો છે
મેડિકલના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, ચોમાસામાં ભેજવાળા વાતાવરણના કારણે અસ્થમા, દમના દર્દીઓની સંખ્યા વધતી હોય છે. એમએમએ સાથે સંકળાયેલા અન્ય તબીબોએ જણાવ્યું કે, રસ્તા પર ઊડતી ધૂળ, ડમરીના કારણે પણ આ સમસ્યા શ્વાસને લગતી તકલીફ વધી રહી છે. 108 ઈમરજન્સી સેવાના સૂત્રોના કહેવા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં વિવિધ પ્રકારના ઈમરજન્સીના 46955 કેસ આવ્યા છે, જે ગત વર્ષે આ સમયમાં 43,053 કોલ્સ હતા, આમ ગુજરાતમાં 9.06 ટકાની ઈમરજન્સી વધી છે જ્યારે અમદાવાદમાં 20.94 ટકા વધારો થયો છે, 8,133 કોલ્સની સામે આ વખતે 9,836 કેસ આવ્યા છે. ગુજરાતમાં 10 દિવસમાં હૃદય રોગ સંબંધિત 2,606 ઈમરજન્સી આવી છે, જે ગત વર્ષના આ સમયની સરખામણીએ 21 ટકા વધારે છે. વિવિધ ઈમરજન્સીમાં 5થી 38 ટકાનો વધારો જોવાયો છે.