ગુજરાતદક્ષિણ ગુજરાત

સુરતઃ પોલીસ સંકલનના કારણે 11 વર્ષની કિશોરી નરાધમના હાથે પીંખાતા બચી, સ્થાનિકોએ જાણ કરતા આરોપી જેલ હવાલે

Text To Speech

સુરતઃ શહેર પોલીસની સતર્કતાને લીધે એક કિશોરી નરાધના હાથે પીંખાતા બચી ગઈ. સુરત પોલીસે કોઈ અનિચ્છનિય બનાવને ટાળવા તેમજ ગુનાકિય પ્રવૃતિઓને રોકવા માટે પોતાના વિસ્તારના લોકો સાથે એક સંકલન રાખ્યું હતું અને પોતાના નંબર સ્થાનિક લોકોને અને સ્થાનિક લોકોના નંબર પોલીસે લીધા હતા. ડુમ્મસ પોલીસ સ્ટેશનના અધિકારી અંકિત સૌમ્યા દ્વારા સ્થાનિકોને પોલીસના મિત્ર બનાવવામાં આવ્યા હતા. ત્યારે આ સંકલનને લીધે જ કિશોરીને શિકાર બનાવવા આવેલા વ્યક્તિને પોલીસ ઝડપી પાડી હતી.

શું હતો બનાવ?
પ્રાપ્ત થતી માહિતી મુજબ સુરતના વેસુ વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની 11 વર્ષની કિશોરી પોતાના ઘર પાસે આવેલા મેદાનમાં રમતી હતી. ત્યારે આ બાળકીની એકલતાનો લાભ લઈને ઉધના વિસ્તારમાં દિપેશ્વરી એપાર્ટમેન્ટમાં રહેતો દીપ ચાવલા નામનો 35 વર્ષનો યુવક કે જે મૂળ રાજસ્થાનનો વતની છે, તેણે બાળકી ઉપર નજર બગાડી હતી. યુવક કિશોરીને કોઈ વાતની લાલચ આપીને પોતાના ટુ-વ્હીલર પર બેસાડીને ડુમ્મસ વિસ્તારમાં લઈ આવ્યો હતો. યુવક કિશોરીને બદકામ કરવાના ઇરાદે ઝાડીઓમાં લઇ જઈ રહ્યો હતો, ત્યારે દરિયા કિનારે મકાઈ ભેળની લારી ચલાવતા રમીલાબેન ડોડીયાએ આરોપી પર શંકા જતાં તેમણે તાત્કાલિક ડુમ્મસ પોલીસનો સંપર્ક કર્યો હતો.

પોલીસ સંકલનના આધારે આરોપી જેલના સળિયા પાછળ
રમીલાબેનના ફોનના આધારે તાત્કાલિક ડુમ્મસ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ બીચ ઉપર દોડી ગયા હતા. પોલીસે તાત્કાલિકા યુવકની અટકાયત કરી તેને પોલીસ સ્ટેશન લઈ જઇ પૂછપરછ શરૂ કરી હતી. આ યુવકે પોતે કરેલા કૃત્યની તમામ હકીકત પોલીસને જણાવી હતી. જોકે, આ સમગ્ર ઘટના સુરતના નવનિર્મિત વેસુ પોલીસ સ્ટેશન હદમાં વિસ્તારમાં બનેલી હોવાથી ડુમ્મસ પોલીસ સ્ટેશનના અધિકારી અંકિત સૌમ્યા દ્વારા તાત્કાલિક આ મામલે વેસુ પોલીસ સ્ટેશનને જાણકારી આપવામાં આવી હતી અને ત્યારબાદ આ મામલે ગુનો દાખલ કરી યુવકની ધરપકડ કરી હતી. ડુમ્મસ પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા સ્થાનિક લોકો સાથેના સંકલનને લઈને એક બાળકી નરાધમના હાથે પીંખાતા બચી ગઇ છે અને નરાધમ જેલના સળિયા પાછળ પહોંચી ગયો છે.

Back to top button