સુરતમાં મેટ્રોની કામગીરીને કારણે સોમવારે અનેક વિસ્તારોમાં પાણીનો પુરવઠો ખોરવાશે
સુરત, 2 ડિસેમ્બર 2023, શહેરમાં મેટ્રો ટ્રેનની કામગીરી ચાલી રહી છે. ત્યારે સોમવારે સુરતવાસીઓને પાણીથી વંચિત રહેવું પડશે. સોમવારે સુરતના અનેક વિસ્તારોમાં પૂરતુ પાણી નહીં મળે. મેટ્રોની કામગીરી દરમિયાન પાણીની લાઈન શિફ્ટ કરવાની કામગીરી કરવામાં આવશે. જેના કારણે સુરતમાં કેટલાક વિસ્તારોમાં પૂરતુ પાણી નહીં મળે તેવી સંભાવનાઓ છે.
સવારે 4 કલાકથી રાત્રે 11 કલાક સુધી કામગીરી કરાશે
પ્રાપ્ત વિગતો પ્રમાણે મેટ્રોની કામગીરી દરમિયાન પાણીની લાઈન શિફ્ટ કરવાની કામગીરી હાથ ધરાશે. આ દરમિયાન સોમવારે વહેલી સવારથી જ વરાછા, કતારગામ, સેન્ટ્રલ ઝોનમાં પાણી પુરવઠો ખોરવાશે. લાઇન શિફ્ટીંગની કામગીરીને લઇ પાણી પુરવઠો બંધ રહેશે. તે ઉપરાંત લંબેહનુમાન રોડ લાભેશ્વર ભવન ખાતે સોમવારે પાણી કાપ રહેશે. સવારે 4 કલાકથી રાત્રે 11 કલાક સુધી કામગીરી કરવામાં આવશે.
રોડ પર જતી રિક્ષા પર ક્રેન પડી હતી
ગઈકાલે મેટ્રોની કામગીરી દરમિયાન એક ક્રેન દ્વારા લોખંડનું સ્ટ્રકચર ચડાવવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ક્રેન પલટી મારતા સીધી રોડ પરથી પસાર થઈ રહેલી રિક્ષા પર પડી હતી. જેમાં રિક્ષાનો ફૂરસો બોલી ગયો હતો. સદનસીબે રિક્ષાચાલકનો આબાદ બચાવ થયો હતો. રિક્ષામાં કાપડનો જથ્થો હોવાથી કોઈ જાનહાની થઈ નહોતી.
આ પણ વાંચોઃ સુરતના ઉધનામાં મેટ્રોની કામગીરી દરમિયાન મહાકાય ક્રેન રિક્ષા પર પડી, જાનહાની ટળી