રાજ્યભરમાં પથરાયેલી હજારો આંગણવાડીઓનું સંચાલન કેમ કરવું? તેની મોટી સમસ્યા ઊભી થવા પામી છે. આંગણવાડી ચલાવવા માટે જે કઈં ખર્ચ થતો હોય છે તેના 50% હિસ્સો રાજ્ય સરકાર અને 50% હિસ્સો કેન્દ્ર સરકાર આપે છે. છેલ્લા છ મહિનાથી ગ્રાન્ટ ચૂકવવાની સિસ્ટમ ઓફલાઈનના બદલે ઓનલાઇન કરી નાખવામાં આવી છે. પેમેન્ટ સિસ્ટમમાં પરિવર્તન આવતાની સાથે જ કેન્દ્ર સરકારની ગ્રાન્ટ બધં થઈ ગઈ છે અને યાં સુધી કેન્દ્રની ગ્રાન્ટ ન આવે ત્યાં સુધી અમે કેવી રીતે નાણા આપી શકીએ? તેમ કહીને રાય સરકારે પણ પોતાની ગ્રાન્ટ હોલ્ડ પર રાખી દીધી છે. રાજયભરમાં આંગણવાડીઓ ચાલુ છે પરંતુ સરકાર તરફથી ગ્રાન્ટ ન મળતા આર્થિક પરિસ્થિતિ ગંભીર બની છે.
સરકારના ઉચ્ચ અધિકારીઓને લખ્યો પત્ર
આ બાબતે ઓલ ઇન્ડિયા ફેડ્રેશન ઓફ આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર દ્રારા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના મુખ્ય સચિવને એક પત્ર પાઠવીને આંગણવાડી વર્કરને લાંબા સમયથી ન ચૂકવાયેલા બિલ તાત્કાલિક ચુકવવા અને આ પ્રકારની વ્યવસ્થા રેગ્યુલર ચાલે તે માટે માગણી કરી છે. સંગઠનના સ્થાનિક આગેવાનો દ્રારા રાય સરકારને લેખિતમાં જણાવ્યું છે તે ગરમ નાસ્તો, ફળ અને ચણાદાળના બિલ આંગણવાડી વર્કરોએ પોતાના પગારમાંથી ચૂકવી દીધા છે.
અનેક રકમો વર્ષોથી બાકી હોવાનો આરોપ
છેલ્લા છ મહિના કરતાં વધુ સમયથી આંગણવાડી વર્કરોને તેના બિલના પૈસા મળ્યા નથી. મંગળ દિવસની ઉજવણીનો આગ્રહ સરકાર રાખે છે પરંતુ તે માટે નાણા આપતી નથી. અમુક જગ્યાએ તો આંગણવાડીના મકાન ભાડા ચૂકવવામાં પણ ગ્રાન્ટ હજુ મળી નથી જેથી મકાન માલિકો મિલકત ખાલી કરવા માટેની ધમકી આપી રહ્યા છે. પછાત જિલ્લાઓમાં સરકારે પોષણ સુધા નામનો પ્રોજેકટ અમલમાં મૂકયો છે અને તેની કડક અમલવારી માટે આગ્રહ રાખવામાં આવે છે. આ પ્રોજેકટ અંતર્ગત ૧૯ રૂપિયામાં જમવાનું આપવાનું નક્કી થયું છે. આ યોજનાના બિલ પણ છેલ્લા ત્રણ ચાર મહિનાથી સરકાર તરફથી આંગણવાડી વર્કરોને ચૂકવાયા નથી. ગેસના બાટલાની ખરીદી માટે નાણા ચુકવણા પણ વર્ષોથી બાકી હોવાની ફરિયાદ કરવામાં આવી છે.