ગુજરાતમાં ભારે વરસાદને કારણે વીજ વપરાશમાં 23 ટકાનો જંગી ઘટાડો નોંધાયો
- ભારે વરસાદને કારણે અર્થતંત્રમાં ઉત્પાદન અને રોજગારને ફટકો પડ્યો
- દૈનિક સરેરાશ પાંચથી છ કરોડ વીજ વપરાશ હતો ત્યાં એક કરોડ યુનિટ ઘટયા
- આ પાંચ દિવસમાં સરેરશ દૈનિક છ કરોડ વીજ યુનિટ વપરાશ ઘટયો
ગુજરાતમાં ભારે વરસાદને કારણે વીજ વપરાશમાં 23 ટકાનો જંગી ઘટાડો નોંધાયો છે. જેમાં પાંચ દિવસમાં ઔદ્યોગિક ક્ષેત્રે દૈનિક 6 કરોડ વીજ યુનિટ ડિમાન્ડ ઘટી છે. ગ્રામિણ ક્ષેત્રે બે કરોડ અને શહેરોમાં એક કરોડ વીજ યુનિટનો ઓછો વપરાશ થયો છે. તેમાં ભારે વરસાદને કારણે અર્થતંત્રમાં ઉત્પાદન અને રોજગારને ફટકો પડ્યો છે.
આ પણ વાંચો: શું તમે જાણો છો, ગુજરાતનું પેક્ડ સ્નેક્સનું માર્કેટ અંદાજે રૂ.10,000-12,000 કરોડનું છે
આ પાંચ દિવસમાં સરેરશ દૈનિક છ કરોડ વીજ યુનિટ વપરાશ ઘટયો
રાજ્યમાં રવિવાર સાંજથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે વીજ વપરાશમાં 23 ટકાનો જંગી ઘટાડો નોંધાયો છે. આ પાંચ દિવસમાં સરેરશ દૈનિક છ કરોડ વીજ યુનિટ વપરાશ ઘટયો છે. જે ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત છે. જેની પાછળ વીજ વિતરણ વ્યવસ્થામાં અંતરાલ ઉપરાંત ઔદ્યોગિક અને રહેણાંક ક્ષેત્રોમાં પાણીનો ભરાવો જવાબદાર છે. જેનાથી અર્થતંત્રમાં ઉત્પાદન અને રોજગારને ફટકો પડી રહ્યો છે. અલબત્ત આવા કારણોસર રાજ્યને કેટલુ નુકસાન છે તેનો કોઈ ચોક્કસ તાગ સરકાર કે ઔદ્યોગિક સંગઠનો મેળવી શક્યા નથી. સરકારી વીજ ઉત્પાદન વિતરણ કંપનીઓના સંકલિત અહેવાલ અનુસાર ગુરૂવારે સવારની સ્થિતિએ વિતેલા પાંચ દિવસમાં ઔદ્યોગિક હેતુસર વીજ વપરાશમાં બે કરોડ યુનિટની ડિમાન્ડ ઘટી છે. ભારે વરસાદ પહેલા ઓગસ્ટના ત્રીજા સપ્તાહે ઔદ્યોગિક વપરાશ માટે દૈનિક 16થી 17 કરોડ વીજ યુનિટનો વપરાશ હતો. જે ઘટીને 13- 14 કરોડની આસપાસ રહ્યો છે.
દૈનિક સરેરાશ પાંચથી છ કરોડ વીજ વપરાશ હતો ત્યાં એક કરોડ યુનિટ ઘટયા
શહેરોમાં જ્યાં દૈનિક સરેરાશ પાંચથી છ કરોડ વીજ વપરાશ હતો ત્યાં એક કરોડ યુનિટ ઘટયા છે. હાલમાં શહેરોમાં ચારથી પાંચ કરોડ યુનિટની ડિમાન્ડ છે. જે ઐતિહાસિકપણે ઓછી છે ! ગ્રામિણ વિસ્કારોમાં પણ પાંચથી 6 કરોડ દૈનિક ડિમાન્ડની સામે હાલમાં 3થી ચાર કરોડ યુનિટનો વપરાશ છે. જે બે કરોડ યુનિટનો ઘટાડો સુચવે છે. વરસાદનુ પ્રમાણ ગુરૂવારે ઘટયા બાદ પણ પોરબંદરના કુતિયાણા તાલુકાના પસાવરી, ખેડાના માતરમાં સંધાણા અને કચ્છના મુદ્રામાં એમ ત્રણ સબસ્ટેશનમાં ભરાયેલા પાણીનો નિકાલ થઈ શક્યો નથી. આથી કુતિયાણાના પસાવરી અને માતરના સંધાણામાં જન્માષ્ટમીને સોમવારની રાતથી 15 હજાર વીજ ગ્રાહકોને પુરવઠો મળ્યો નથી. અંધારપટ છે. જ્યારે મુદ્રામાં ગુરૂવારની સવારથી વીજ સપ્લાય અટકતા 10 હજાર વીજ ગ્રાહકને અસર થઈ છે. આમ અત્યારમાં 25 હજાર વીજ ગ્રાહકોને સપ્લાય પહોંચાડવામાં અડચણો આવી રહી છે. તદ્ઉપરાંત અમદાવાદ પાસે સાણંદ સ્થિત ઔદ્યોગિક ક્ષેત્રમાં સાણંદ-2 સબ સ્ટેશનમાં પાણી ભરાવાને કારણે 28મી ઓગસ્ટથી આ ક્ષેત્રના 379 ઔદ્યોગિક એકમોને વીજ પુરવઠો મળી રહ્યો નથી.