કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતવિશેષ
સોરઠમાં સારા વરસાદના પગલે વાવેતરમાં વધારો, ડેમ પણ છલકાયા
જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક સારા વરસાદના પગલે ખેડૂતોના હૈયે ટાઢક વળી છે. સાથે જ જિલ્લાના કુલ વાવેતર વિસ્તારમાં ગત વર્ષની સરખામણીએ નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ-૨૦૨૧માં સમગ્ર જિલ્લામાં કુલ ૩૦૨૨૭૭ હેક્ટરમાં મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું. ત્યારે આ વર્ષે કુલ-૩૨૧૦૩૬ હેક્ટરમાં જુદા-જુદા પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. આમ, વર્ષ-૨૦૨૨માં ૧૮૭૯૯ હેક્ટર જેટલો વાવેતર વિસ્તારનો વધ્યો છે.
સૌથી વધુ મગફળીનું ૨૦૯૮૬૪ હેક્ટરમાં વાવેતર
જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ મગફળીનું ૨૦૯૮૬૪ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારબાદ અનુક્રમે કપાસ ૪૯૬૫૦, સોયાબીન ૪૫૭૫૫, ઘસચારાના પાકોનું ૯૫૪૦, શાકભાજી ૪૨૬૩, અડદ ૯૭૫ અને મગ ૭૬૫ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. ઉપરાંત વિસાવદર તાલુકામાં ૨૩૮ અને જૂનાગઢ તાલુકામાં ડુંગળીનું ૫૦ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.
જિલ્લાના ૧૭ ડેમો પૈકીના ૧૩ ડેમો મેઘરાજાના કૃપાથી ભરાયા
ગીરના જંગલોમાં વસતાં વન્ય જીવ સૃષ્ટિ માટે ચોમાસાની ઋતુ ખૂબ હરિયાળી, રળિયામણી અને સોહામણી બની રહે છે. જૂનાગઢ વન વિભાગના ડીસીએફ ડો.સુનિલકુમાર બેરવાલે જણાવ્યુ હતું કે, જૂનાગઢ જિલ્લાના ૧૭ ડેમો પૈકીના ૧૩ ડેમો મેઘરાજાના કૃપાથી ભરાઈ ચૂક્યા છે, માત્ર મધુવંતી, ઉબેણ, રજની, મોટા ગુજરીયા અને ગળશ આ પાંચ ડેમો જ છલકાતા છલકાતા રહી ગયા છે. જૂનાગઢની આગવી ઓળખ સમા ગિરના જંગલોના ચેકડેમો, કુવા, નદીઓમાં પણ નવા નિરથી ભરાઇ ચૂકયા છે. વન્ય જીવો માટ હંમેશા વરસાદી કુદરતી વહેતુ પાણી લાભકારક રહેતી હોય છે.
વન્ય જીવ સૃષ્ટિના ગઢ એવા સાસણનો હિરણ – કમલેશ્વર ડેમ પણ ઓવરફ્લો
ગિરમાં જંગલો- નેસડાઓમાં પડેલા સારા એવા વરસાદના કારણે વન્ય જીવ સૃષ્ટિના ગઢ એવા શાસનનો હિરણ – કમલેશ્વર ડેમ પણ ઓવરફ્લો થઈ ચૂક્યો છે. જેના પગલે વન્ય જીવોના ખોરાક એવા નવા લીલા ઘાસચારામાં તો વધારો થશે જ. તેમજ આ સિઝન વન્ય જીવોના મેટિંગની પણ છે. ચોમાસામાં વન્ય જીવો મુવમેન્ટ ઓછુ કરતા હોય છે. આ સમયગાળામાં તેમને વધુ અનુકૂળતા મળે તે માટે પ્રયાસો કરવામાં આવે છે.એટલે જ તા.૧૬ જૂનથી ૧૫ ઓકટોબર સુધી વન્ય જીવ સૃષ્ટિ જોવા ઉપર – સફારી ઉપર પ્રતિબંધ હોય છે.
વન્યજીવો માટે પાણી અને ખોરાક આ બે અતિ મહત્વની બાબત
મોટાભાગે વન્ય જીવો દરેક ઋતુમાં અનુકુળતા સાધી લેતાં હોય છે, પરંતુ ચોમાસાની ઋુતુ તેઓ માટે વધારે ફેવરેબલ રહે છે. વન્યજીવો માટે પાણી અને ખોરાક આ બે અતિ મહત્વની બાબત છે અને તે બંનેની અવેબીલિટી સારા મોનસુનમાં વધી જાય છે. ગીરના જંગલોમાં વસતાં વન્ય જીવ સૃષ્ટિ માટે ચોમાસાની ઋતુ ખૂબ હરિયાળી, રળિયામણી અને સોહામણી બની રહે છે.