આજથી દેશભરમાં દિવાળીના પાવનપર્વની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે લોકો પણ પોતાના વતનમાં જવા માટે નીકળવા લાગ્યા છે. તેવામાં રાજ્યભરમાં રેલવે અને બસ સ્ટેશનમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. જેના પરિણામે ક્યાંક અવ્યવસ્થા પણ સર્જાઈ રહી છે.
પરપ્રાંતીયો અને મજૂરવર્ગ માટે ખાસ વ્યવસ્થા
તહેવારોની સીઝનમાં વતન જતા લોકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે અમદાવાદ રેલવે ડિવિઝનના ડીઆરએમ તથા અમદાવાદ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક સાથે HUM DEKHENGE ની ટીમ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશ તેમજ બિહાર અને પશ્ચિમ બંગાળ તરફથી મોટી સંખ્યામાં મજૂરવર્ગ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મજૂરીકામ તેમજ નોકરી ધંધા માટે આવે છે. તેઓ દિવાળીમાં પોતાના વતન જઈ શકે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાન્સપોર્ટેશનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વધુને વધુ એક્સ્ટ્રા ટ્રેન તથા બસ મુકવામાં આવી છે તેમજ જરૂર પડ્યે નવી ટ્રેન તથા બસ શરૂ કરવાની પણ સત્તા અપાઈ છે.
સૌરાષ્ટ્રવાસીઓ માટે એસટી વિભાગે વધારાની બસો ચલાવવાનું શરૂ કર્યું
વધુમાં અધિકારીઓ પાસેથી જાણવા મળ્યા મુજબ અમદાવાદ તથા ગુજરાતમાં જુદા જુદા શહેરોમાં સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં યુવાવર્ગ અભ્યાસ તથા નોકરીઓ માટે આવે છે ત્યારે દિવાળીમાં તેમના માટે વતન જવા વધારાની બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે જેથી તેઓને કોઈ તકલીફ પડે નહીં.
પ્રાઇવેટ વાહનોમાં બેફામ ભાડાથી લૂંટાતા મુસાફરો
તહેવારોના પગલે લોકો મોટી સંખ્યામાં પોતાના વતન તરફ જવા રવાના થવા લાગ્યા છે. ત્યારે છેલ્લી ઘડી સુધી જે લોકો દ્વારા એડવાન્સ બુકીંગ કરવામાં આવ્યું ન હોય તે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે અને તેઓ વતન જવા માટે સરકારી વાહનોની બદલે પ્રાઇવેટ વાહનોનો સહારો લઈ રહ્યા છે. ત્યારે તેમના દ્વારા બેફામ ભાડા વસુલવામાં આવી રહ્યા છે.