દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે 30 ફ્લાઈટ્સ મોડી પડી, તો 11ને ડાયવર્ટ કરાઈ
- દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે 30થી વધુ ફ્લાઈટ્સ મોડી પડી
- આ ઉપરાંત ધુમ્મસને કારણે પંજાબ અને યુપીમાં પણ ફ્લાઈટ સેવાને અસર થઈ
- દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે 11 ફ્લાઈટ્સને ડાયવર્ટ કરવામાં આવી
દિલ્હી, 26 ડિસેમ્બર: દિલ્હી, પંજાબ અને યુપી સહિત દેશના અનેક રાજ્યોમાં સવારથી ગાઢ ધુમ્મસ છવાઈ ગયું છે. જેના કારણે રેલ, રોડ અને એર ટ્રાફિક અસરગ્રસ્ત થયા છે. રસ્તાઓ પર વાહનો ધીમી ગતિએ આગળ વધી રહ્યા છે ત્યારે ઘણી ટ્રેનો મોડી પડી છે. જ્યારે ઘણી ફ્લાઈટ સેવાઓ પણ અસરગ્રસ્ત થઈ છે. રાજધાની દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘણી ઓછી છે. ગાઢ ધુમ્મસના કારણે દિલ્હી, યુપી, પંજાબ સહિત અનેક રાજ્યોના એરપોર્ટ પર ફ્લાઈટ્સ મોડી પડી રહી છે.
Due to bad weather conditions at Delhi airport, 11 flights were diverted to Jaipur and one flight was diverted to Lucknow between 0600hrs-1200hrs today: Airport sources
— ANI (@ANI) December 26, 2023
11 ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી
એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું કે દિલ્હી એરપોર્ટ પર ખરાબ હવામાનને કારણે સવારે 8:30 થી બપોરે 12 વાગ્યા સુધી 10 ફ્લાઈટને જયપુર અને એક ફ્લાઈટ લખનૌ તરફ ડાયવર્ટ કરવામાં આવી છે. બપોર સુધી એકંદરે 11 ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી છે.
દિલ્હી એરપોર્ટ પર 30 ફ્લાઈટ મોડી પડી
દિલ્હી એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું કે ગાઢ ધુમ્મસને કારણે એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય સહિત લગભગ 30 ફ્લાઈટ્સનું આગમન અને પ્રસ્થાન મોડું થઈ રહ્યું છે. જેના કારણે મુસાફરોને કડકડતી ઠંડીમાં ફ્લાઈટની રાહ જોવી પડે છે.
અમૃતસર એરપોર્ટ પર વિઝિબિલિટી 50 મીટર
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આજે સવારે અમૃતસર એરપોર્ટ પર 50 મીટરની વિઝિબિલિટી નોંધાઈ હતી. લખનૌ અને પાલમ એરપોર્ટ પર વર્તમાન વિઝિબિલિટી અનુક્રમે 800 અને 1000 મીટર છે અને આગામી 6 કલાક દરમિયાન તે ઘટીને 500 મીટર અને તેનાથી નીચે થવાની શક્યતા છે.
દિલ્હી એરપોર્ટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી
ગાઢ ધુમ્મસના કારણે દિલ્હી એરપોર્ટ એટલે કે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ દ્વારા ટ્રાવેલ એડવાઈઝરી જારી કરવામાં આવી છે. એરપોર્ટ સત્તાવાળાઓએ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને મુસાફરીમાં વિલંબનો સામનો કરતી ફ્લાઇટ્સ માટે નંબર પણ આપ્યા છે. એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, દિલ્હી એરપોર્ટ પર ગાઢ ધુમ્મસને કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સહિત લગભગ 30 ફ્લાઇટ્સનું આગમન અને પ્રસ્થાન મોડું થઈ રહ્યું છે.
દિલ્હી એરપોર્ટ દ્વારા જારી કરાયેલ એડવાઈઝરીમાં તમામ હવાઈ મુસાફરોને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરીમાં સંભવિત વિલંબ અંગે ચેતવણી આપવામાં આવી છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ અને ટેકઓફ ચાલુ હોવા છતાં જો કોઈ ફ્લાઈટ્સ સમયસર નથી તો તે ગાઢ ધુમ્મસના કારણે લેટ થઈ શકે છે. મુસાફરોને ફ્લાઇટની અપડેટ માહિતી માટે સંબંધિત એરલાઇન્સનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.
આ પણ વાંચો: ઉત્તરાખંડના રૂરકીમાં ઈંટના ભઠ્ઠામાં મોટી દુર્ઘટના, પાંચ શ્રમિકોના મૃત્યુ