અમેરિકાના એક નિર્ણયથી ભારતીય શેરબજાર ખુલતા જ તૂટ્યું, રોકાણકારોને થયું 5 લાખ કરોડનું નુકશાન
મુંબઈ, 19 ડિસેમ્બર : વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકાના શેરબજારોમાં ભારે ઘટાડા બાદ ગુરુવારે ભારતીય શેરબજાર પણ તૂટ્યું હતું. શેરમાર્કેટ સપ્તાહના ચોથા દિવસે ભારે પતન સાથે ખુલ્યું હતું. કારણકે, બુધવારે રાત્રે ફેડ રેટ કટના નિર્ણય પછી, અમેરિકન બજારોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.
ગઈકાલે રાત્રે યુએસ ફેડરલ રિઝર્વ બેંકે 0.25 ટકાના દરમાં ઘટાડો જાહેર કર્યો છે, જે સતત ત્રીજો કટ છે. જેના કારણે બજારનો મૂડ બગડ્યો હતો અને તેની અસર વૈશ્વિક બજાર સહિત ભારતીય શેરબજારમાં જોવા મળી હતી. ગુરુવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.
સેન્સેક્સ 900 પોઈન્ટ્સથી વધુ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 321 પોઈન્ટ્સ તૂટ્યો હતો. US Fed એ અપેક્ષા મુજબ વ્યાજ દરોમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે, છતાં વિશ્વભરમાં ભારે વેચવાલી વચ્ચે સ્થાનિક બજારો પણ તૂટ્યા છે. જ્યારે યુએસ ફેડએ 2025માં માત્ર બે રેટ કટનો સંકેત આપ્યો હતો, ત્યારે બજાર તૂટી ગયું હતું.
તેના કારણે સેન્સેક્સ 79000 ની નજીક અને નિફ્ટી પણ 23900 ની નીચે ગબડ્યો અને BSE અને NSE બંનેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એફએમસીજી સિવાય તમામ ઈન્ડેક્સમાં 2 ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે એફએમસીજીનો નિફ્ટી ઈન્ડેક્સ પણ લગભગ ફ્લેટ છે.
BSEનું માર્કેટ કેપ કેટલું ઘટ્યું?
BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 5.93 લાખ કરોડનો ઘટાડો થયો છે, એટલે કે રોકાણકારોની સંપત્તિમાં રૂ. 5.93 લાખ કરોડનો ઘટાડો થયો છે. હાલમાં સેન્સેક્સ 1001 પોઈન્ટના ઘટાડા સાથે 79,172 પર અને નિફ્ટી 291 પોઈન્ટના ઘટાડા સાથે 23,907 પર ટ્રેડ કરી રહ્યો છે. ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 1162 પોઈન્ટ્સ અને નિફ્ટી 328 પોઈન્ટ્સ તૂટ્યો હતો.
રોકાણકારોની સંપત્તિમાં ભારે ઘટાડો
એક ટ્રેડિંગ દિવસ અગાઉ એટલે કે બુધવારે, BSE પર સૂચિબદ્ધ તમામ શેર્સની કુલ માર્કેટ કેપ રૂ. 4,52,60,266.79 કરોડ હતી. ગુરુવારે બજાર ખુલતાની સાથે જ તે ઘટીને 4,46,66,491.27 કરોડ રૂપિયા થઈ ગયું. મતલબ કે રોકાણકારોની મૂડીમાં રૂ. 5,93,775.52 કરોડનો ઘટાડો થયો છે.
આ પણ વાંચો : – શિવભક્તો માટે મોટા સમાચાર, 5 વર્ષ બાદ ફરી શરૂ થશે કૈલાશ માનસરોવર યાત્રા, જાણો શું છે તેનું મહત્વ