Modasa : ન્યાયમાં ભળ્યો નશો ! ચાલુ ફરજે બીજા એડિશનલ સિવિલ જજ દારૂના નશામાં, ફરિયાદ દાખલ
અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં બીજા એડિશનલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એસ. સી. પટેલ ચાલુ ફરજ દરમિયાન નશામાં હોવાનું સામે આવતા જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. મળતી માહિતી મુજબ એસ. સી. પટેલ ફરજ દરમ્યાન દારૂનો નાશો કરી, કોર્ટમાં તથા કોર્ટ બિલ્ડિંગ પરિસરમાં કામ કરતાં કર્મચારીઓ સામે બિભસ્ત વર્તન કર્યાની પોલીસ ફરિયાદ થઈ છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટના રજિસ્ટ્રારની ફરિયાદને આધારે મોડાસા ટાઉન પોલીસ બીજા એડિશનલ સિનિયર સીવીલ જજ તેમજ તેમની મદદ કરનાર બેન્ચ ક્લાર્ક બી. કે. વીજ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો : Sabarkantha : પૂર્વ સરપંચ હિમાંશુ પટેલે કરેલી એક પહેલે બે દીકરીઓનું જીવન બદલ્યું
મોડાસા ટાઉન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, મોડાસા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સોમવારે બીજા એડિશનલ સિનિયર સીવીલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એસ. સી. પટેલે મીજીસ્ટ્રેટ તરીકેની ચાલુ ફરજ દરમિયાન દારૂનો નાશો કરી કર્મચારીઓ સાથે બિભસ્ત વર્તન કર્યું હતું. કોર્ટ પરિસરમાં કર્મચારીઓ સાથે બિભસ્ત વર્તન કરી ગાળો બોલી હોવાની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જ્યારે સિનિયર સીવીલ કોર્ટ બેન્ચના ક્લાર્ક બી. કે. વીજ સામે પણ એકબીજાની મદાદગારી કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટના રજિસ્ટ્રાર વિજયભાઇ ભગતની ફરિયાદને આધારે મોડાસા ટાઉન પોલીસ મથકમાં પોલીસે ઈ. પી. કો. કલમ 504, 510, 114, તથા પ્રોહીબેશન કલમ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.