સુરતમાં 12.57 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપાયુ, ભજિયાની લારી પર કોડવર્ડથી વેપાર થતો
સુરત, 20 જુલાઈ 2024, ગુજરાતમાં પોલીસની ડ્રગ્સ વિરોધી ડ્રાઈવ બાદ પણ ડ્રગ્સની હેરાફેરીના કિસ્સા વધુ પ્રમાણમાં પ્રકાશમાં આવી રહ્યાં છે.સુરતની લાલગેટ પોલીસે ભજિયાની લારી પર એમડી ડ્રગ્સનું વેચાણ કરતા ત્રણ શખસને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 125.71 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. ધંધામાં મંદી આવતા મુંબઈથી ડ્રગ્સ લાવીને ભજિયાની લારી પર વેચાણ શરૂ કર્યું હતું. ડ્રગ્સ ખરીદવા આવતા ગ્રાહકો સાથે દવાના કોડવર્ડથી વાતચીત કરવામાં આવતી હતી. ત્રણ આરોપીમાં બે શખ્સ ડ્રગ્સ એડિક્ટ હોવાથી તેણે ત્રીજા સાથે મળીને ભજિયાની લારીની આડમાં ડ્રગ્સનો કારોબાર શરૂ કર્યો હતો.
12.57 લાખની કિંમતનો 125.71 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો
સુરત શહેર પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી ‘નો ડ્રગ્સ ઇન સુરત સિટી’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેને લઇ નશાકારક પદાર્થોનું સેવન કરતા અને વેચાણ કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતના લાલગેટ વિસ્તારમાંથી ત્રણ આરોપીને એમડી ડ્રગ્સના જથ્થા સાથે આજે ઝડપી પાડવામાં આવ્યા છે. લાલગેટ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, લાલગેટ પોલીસની ટીમને બાતમી મળી હતી કે, સુરતના લાલગેટ વિસ્તારના હોળી બંગલા પાસે આવેલી રાજકમલ બેકરીની ગલીમાં ભજિયાની દુકાન પર એમડી ડ્રગ્સનું વેચાણ થઇ રહ્યું છે. પોલીસે ભજિયાની લારી પર તપાસ કરીને લારી ચલાવનાર મોઇનુદ્દીન અંસારી અને અન્ય બે શખસની ધરપકડ કરી છે.પોલીસે ભજિયાની લારી અને પાનના ગલ્લા પાસે રેડ કરીને 12.57 લાખની કિંમતનો 125.71 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
આરોપીઓ ગ્રાહકો સાથે “દવા” ના કોડવર્ડમાં વાતચીત કરતા
આરોપી મોઈનુદિન સલાઉદિન અંસારી ભજિયાની લારી અને પાનનો ગલ્લો ચલાવતો હતો. આરોપી રાસીદજમાલ ઉર્ફે બનારસી ઉસ્માનગની અંસારી અને મહોમ્મદજાફર મોહમ્મદ સીદીક ગોડીલ ત્યાં બેસવા આવતા હોવાથી ત્રણેયની મિત્રતા થઇ હતી. આ બન્ને આરોપીને ડ્રગ્સનું સેવન કરવાની ટેવ હતી.આ દરમિયાન મોહમ્મદ જાફરને ધંધામાં મંદી હોવાથી છેલ્લા એક મહિનાથી મુંબઈથી એમડી ડ્રગ્સ લાવતો હતો અને આ પાનના ગલ્લા પર ત્રણેય ભેગા થતા હતા. આ ડ્રગ્સનું વેચાણ થાય એ માટે રાસીદ જમાલ ગ્રાહકો શોધી લાવતો અને મોહમ્મદ જાફર ડ્રગ્સનું વજન કરી વેચાણ કરતો હતો. ત્યારબાદ રાસીદ જમાલ અને મોઈનુદિન ગ્રાહકને રૂબરૂ જઈ ખરાઈ કરતો હતો. આ આરોપીઓ એટલા શાતીર હતા કે, ગ્રાહકો સાથે “દવા” ના કોડવર્ડમાં વાતચીત કરતા હતા.
ત્રણેયને કોર્ટમાં હાજર કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ
આ મામલે ડીસીપી પીનાકીન પરમારે મીડિયાને જણાવ્યું હતું કે, પોલીસ આ આરોપીઓ એમડી ડ્રગ્સ ક્યાંથી લાવતા હતા? કોને વેચાણ કરતા હતા? રેગ્યુલર ગ્રાહકો કેટલા છે? એ અંગે પણ તપાસ કરશે. જ્યારે આ ત્રણેયને કોર્ટમાં હાજર કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પકડાયેલ આરોપીઓ ટેક્સટાઈલ માર્કેટમાં કામ કરતા હતા અને ધંધામાં મંદી હોવાના કારણે ડ્રગ્સ વેચાણમાં લાગી ગયા હતા.હાલ તો આ આરોપીઓ મુંબઈથી કોની પાસેથી ડ્રગ્સ લાવતા હતા, તે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃસુરતમાં ચોરી કરવા ગયેલા શખ્સનું પેન્ટ ઉતરી ગયું, 90 હજારનો માલ લઈ રફૂચક્કર