સૌરાષ્ટ્રમાંથી ફરી ડ્રગ્સ અને ચરસનો જથ્થો ઝડપાયો : પાંચની ધરપકડ
સૌરાષ્ટ્રમાં બે સ્થળોએથી ડ્રગ્સ અને ચરસનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. રાજકોટ શહેર SOG એ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ચાર જ્યારે કે ગીર સોમનાથ પોલીસે સુત્રાપાડા બંદરેથી એક આરોપીની ધરપકડ કરીને કુલ રૂ. 29 લાખની કિંમતનો માદક પદાર્થનો જથ્થો કબ્જે કર્યો છે.
રાજકોટમાંથી એક સ્થાનિક અને ત્રણ પરપ્રાંતીય ઝડપાયા
મળતી માહિતી મુજબ, રાજકોટ શહેર એસઓજીના પીએસઆઇ ભાનુભાઇ મિંયાત્રા અને સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન હકીકત મળી હતી કે, ભગવતીપરા શેરી નં-પમાં આશાબાપીરની દરગાહ પાસે પરપ્રાંતિય સહિત ચાર શખસો ડ્રગ્સના જથ્થા સાથે તેને વેંચવાની ફિરાકમાં છે જે હકીકતના આધારે સ્ટાફ પેટ્રોલિંગમાં હોય ત્યારે વોચ ગોઠવતાં ભગવતીપરાના ટિપુ સુલતાન (ઉ.વ.23) તેમજ જાવેદખાન હામીદખાન પઠાણ (ઉ.વ.30), ફારૂખ ફિરોજખાન પઠાણ (ઉ.વ.23) અને આમિરખાન ઇલિયાસખાન પઠાણ (ઉ.વ.28)ને શંકાના આધારે અટક કરી તલાસી લેતા તેના કબજામાંથી 23.08 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવતા રૂ. 2.38 લાખની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે ચારેય શખસોની ધરપકડ કરવામાં આવી હતી. એસઓજીની ટીમે તેઓની પાસેથી કિંમત રૂ. 20 હજારના છ મોબાઇલ ફોન મળી કુલ રૂ. 2.58 લાખનો મુદ્દામાલ કબજે કરી આ ડ્રગ્સનો જથ્થો કયાંથી લાવ્યા અને કોને વેચવા માટે આપવાનો હતો ? તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
હિરાકોટ બંદર નજીક રૂ. 26.50 લાખના ચરસના જથ્થા સાથે એક ઝડપાયો
થોડાં સમય પહેલાં ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠે ડ્રગ્સનાં પેકેજ ઝડપાયેલ હતાં અને ત્યારબાદ સુત્રાપાડા તાલુકાના હિરાકોટ બંદર નજીક ધાર્મિક સ્થળ નજીક એલસીબી બ્રાન્ચનાં પીઆઈ એ.એસ.ચાવડા, એસઓજી પી.એસ.આઇ. આર.એચ. મારૂ સહિતના સ્ટાફે બાતમીના આધારે તપાસ હાથ ધરી માદક પદાર્થ ચરસનો મોટો જથ્થો લાવીને વેચાણ કરતાં સબીર જુસબ ખારીયા માછીમાર રહે. સુત્રાપાડાવાળાના મકાન પર રેઇડ પાડી લીલા કલરનાં બાચકામાં છુપાયેલા 16 પેકેટ વજન 17 કિલો 663 ગ્રામ મળી આવતાં કિ.રૂ 26 લાખ 45 હજાર 400નાં નસીલા પદાર્થો ચરસનાં જથ્થા સાથે ઝડપી પાડી એન ડી પી એસની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે આ રેઇડ દરમ્યાન એલ સી બી બ્રાન્ચ તેમજ એસ ઓ જી ના એ એસ આઇ લખમણભાઇ મહેતા કેતનભાઈ જાદવ ઈબ્રાહિમ ભાઈ બાનવા મુકેશ ભાઈ ટાંક નવલસિંહ ગોહિલ સહીત નાં પોલીસ સ્ટાફ સાથે ઘટનાસ્થળે રહી મોટો જથ્થો મુદામાલ સાથે ઝડપી પાડયો હતો અને આ બાબતે સુત્રાપાડા મરીન પોલીસ ને મુદામાલ સાથે ઝડપી લેવાયેલાં શખ્સ સાથે સોંપી ગુન્હાની ફરીયાદ આપતા વધુ તપાસ સુત્રાપાડા પોલીસે કાર્યવાહી શરુ કરીને રીમાન્ડની માંગણી સાથે આ જથ્થો ક્યારે આવેલ ક્યાં ક્યાં સપ્લાય કરવામાં આવતો હતો તે અંગે તપાસ ધમધમતી કરી હતી.