DRS એટલે ધોની રિવ્યૂ સિસ્ટમ, ફરી એકવાર MI સામેની મેચમાં થયું સાબિત, જુઓ વીડિયો


ચેન્નઈ, 24 માર્ચ : DRSને ધોની રિવ્યૂ સિસ્ટમ કહો, ડીઆરએસ નહીં… આ એક વાર નહીં પરંતુ ઘણી વખત કોમેન્ટેટર્સ અને ચાહકો તરફથી સાંભળવામાં આવ્યું છે. DRS લેવાના મામલે ધોનીની નજીક કોઈ નથી. ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચમાં માહીએ ફરી એકવાર તેના અદ્ભુત DRS કૉલથી દર્શકોનું દિલ જીતી લીધું હતું. આખરે શું થયું, ચાલો તમને વિગતવાર જણાવીએ.
CSKનો ફાસ્ટ બોલર નાથન એલિસ મુંબઈ ઈન્ડિયન્સની ઈનિંગની 18મી ઓવર ફેંકી રહ્યો હતો. ઓવરના છેલ્લા બોલ પર એલિસે કિવિ ખેલાડી મિશેલ સેન્ટનરને પેડ પર મારી દીધો હતો. બોલ સેન્ટનરના પેડ્સ પર વાગ્યો હતો જેથી એલિસે ભારપૂર્વક અપીલ કરી હતી. પરંતુ, અમ્પાયરે તેને નોટઆઉટ જાહેર કર્યો હતો.
દરમિયાન એલિસે ધોનીને પૂછ્યું કે શું બોલ ખૂબ ઊંચો જઈ રહ્યો છે કે પછી તે લાઇનમાં પિચ થયો છે. આવી સ્થિતિમાં 43 વર્ષીય ધોનીએ તરત જ કેપ્ટન રુતુરાજ ગાયકવાડને રિવ્યુ લેવા કહ્યું હતું. ચેન્નઈના કેપ્ટને રિવ્યુ લેવામાં જરા પણ વિલંબ કર્યો ન હતો.
CSK એ DRS લીધા પછી, હૉકઆઈએ બતાવ્યું કે બોલ સીધો સ્ટમ્પ પર અથડાતો હતો અને અમ્પાયર પાસે પોતાનો નિર્ણય પાછો ખેંચવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. આ સાથે DRS લેવાનો ધોનીનો નિર્ણય માસ્ટરસ્ટ્રોક સાબિત થયો. જ્યારે અમ્પાયરે પોતાનો નિર્ણય પલટાવ્યો ત્યારે ઓસ્ટ્રેલિયન બોલર નાથન એલિસ ગદગદ થઈ ગયો હતો. તેણે જઈને ધોનીને ગળે લગાવ્યો હતો.
Dhoni Review System (DRS) Dhoni’s Signal To Ruturaj Gaikwad 🫂@JioHotstar @BCCI @ChennaiIPL @IPL @ICC @mipaltan #CSKvsMI #Rivalry #Dhoni #Ruturaj #Matchhighlights #CskForever #MI pic.twitter.com/LfxOtGqnjV
— Klassy Cutz (@klassycutz) March 23, 2025
માહી પણ બેટિંગ કરવા ઉતર્યો હતો
એમએસ ધોનીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાને 5 વર્ષ થઈ ગયા છે. તે વર્ષમાં માત્ર 2 મહિના જ IPLમાં એક્શનમાં જોવા મળે છે. તેને રમતા જોવા માટે ચાહકોમાં એક અલગ જ ક્રેઝ છે. આવી સ્થિતિમાં ધોની જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ સામે બેટિંગ કરવા મેદાનમાં આવ્યો ત્યારે ભીડમાં એક અલગ જ ઉર્જા જોવા મળી હતી. આખું એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ નાચ્યું હતું. જોકે, માહી માત્ર બે બોલ રમ્યો હતો અને કોઈ રન બનાવ્યા વિના અણનમ રહીને પેવેલિયન પરત ફર્યો હતો.
આ પણ વાંચો :- કુણાલ કામરાએ કરેલી મજાકથી સીએમ ફડનવીસ સહિત અનેક નારાજઃ જાણો શું કહ્યું?