ચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દ્રૌપદી મુર્મૂ  બન્યા દેશના 15મા રાષ્ટ્રપતિ, CJI રમનાએ શપથ લેવડાવ્યા

Text To Speech

દ્રૌપદી મુર્મૂએ સોમવારે 25 જુલાઈએ દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. તે દેશના પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાએ દ્રૌપદી મુર્મૂને પદના શપથ લેવડાવ્યા હતા. મુર્મૂ ઓડિશાના છે. આ પહેલા તે ઝારખંડના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. આ પ્રસંગે મહામહિમ મુર્મૂએ કહ્યું કે, રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચવું એ મારી વ્યક્તિગત સિદ્ધિ નથી, તે ભારતના દરેક ગરીબની સિદ્ધિ છે. મારી ચૂંટણી એ વાતનો પુરાવો છે કે ભારતમાં ગરીબો સપના જોઈ શકે છે અને પૂરા કરી શકે છે.

‘એક સંયોગ છે’

દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે દેશે મને એવા મહત્વપૂર્ણ સમયગાળામાં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટ્યા છે જ્યારે આપણે આપણી આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યા છીએ. આજથી થોડા દિવસો બાદ દેશ તેની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરશે. આ પણ યોગાનુયોગ છે કે જ્યારે દેશ તેની આઝાદીના 50મા વર્ષની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે મારી રાજકીય કારકિર્દી શરૂ થઈ અને આજે આઝાદીના 75મા વર્ષમાં મને આ નવી જવાબદારી મળી છે.

આ લોકશાહીની શક્તિ છે જેમણે મને આટલે સુધી પહોંચાડી -મુર્મૂ 

દ્રૌપદી મુર્મૂએ સંસદભવનના સેન્ટ્રલ હોલમાં પદના શપથ લીધા બાદ કહ્યું, હું દેશની પહેલી એવી રાષ્ટ્રપતિ છું જેનો જન્મ સ્વતંત્ર ભારતમાં થયો હતો. આપણે સ્વતંત્ર ભારતના નાગરિકોની સાથે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે આપણા પ્રયત્નો વધારવા પડશે. દ્રૌપદી મુર્મુએ કહ્યું મારો જન્મ ઓડિશાના એક આદિવાસી ગામમાં થયો હતો. પરંતુ તે દેશની લોકશાહીની શક્તિ છે જેણે મને અહીં સુધી પહોંચાડી.

મુર્મૂ બન્યા રાષ્ટ્રપતિ 

આપને જણાવી દઈએ કે મુર્મૂએ વિરોધ પક્ષોના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિન્હાને હરાવીને ઈતિહાસ રચ્યો છે. આઝાદી પછી જન્મ લેનાર તે પ્રથમ અને ટોચના પદ પર રહેનાર સૌથી યુવા રાષ્ટ્રપતિ હશે. રાષ્ટ્રપતિ બનનાર તે બીજી મહિલા પણ છે.

Back to top button