ગુજરાતમાં ધોરણ 6થી10માં વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેટ વધ્યો
- માધ્યમિકમાં 17.9 ટકા વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દે છે
- પ્રાથમિકમાં છોકરીઓનો અને સેકન્ડરીમાં છોકરાઓનો ડ્રોપઆઉટ રેટ વધારે
- રાજ્યમાં 1,657 કરતાં વધુ સરકારી સ્કૂલો એક શિક્ષકથી ચાલે છે
ગુજરાતમાં ધોરણ 6થી10માં બીજા રાજ્યો કરતાં ડ્રોપઆઉટ રેટ ઘણો ઊંચો છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં હજારો કરોડો ખર્ચવા છતાં ડ્રોપઆઉટ રેટમાં રાજ્યનું નબળું ચિત્ર સામે આવ્યું છે. રાજ્યમાં પ્રાથમિક છોકરીઓનો અને સેકન્ડરીમાં છોકરાઓનો ડ્રોપઆઉટ રેટ વધારે છે.
આ પણ વાંચો: ભારતના ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવતા રાજકીય ગરમાવો
માધ્યમિકમાં 17.9 ટકા વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દે છે
ગુજરાતમાં ધોરણ 6થી 8માં અર્થાત્ ઉચ્ચ પ્રાથમિકમાં 5 ટકા વિદ્યાર્થીઓ અને ધોરણ 9 અને 10માં યાને માધ્યમિકમાં 17.9 ટકા વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દે છે. કેન્દ્ર સરકારે 2021-22ના લેટેસ્ટ ડ્રોપઆઉટ રેટ જાહેર કર્યા છે, જે મુજબ ગુજરાતની આ સ્થિતિ છે. અખિલ ભારતીય સ્તર કરતાંય તથા અન્ય મોટા રાજ્યોની તુલનામાં પણ રાજ્યની સ્થિતિ બદતર છે. અખિલ ભારત સ્તરે ધો.6થી 8માં 3 ટકા અને ધોરણ 9થી 10માં 12.6 ટકા ડ્રોપઆઉટ રેટ છે. ધો.6થી 8માં રાજ્યનો 5 ટકા ઊંચો ડ્રોપઆઉટ રેટ દેશમાં મોટા રાજ્યોમાં બીજા નંબરે છે, પ્રથમ ક્રમે ભાજપ શાસિત મધ્યપ્રદેશમાં સૌથી ઊંચો 8.8 ટકા ડ્રોપઆઉટ રેટ છે. જ્યારે ધો.9થી 10માં રાજ્યનો 17.9 ટકા ઊંચો ડ્રોપઆઉટ રેટ દેશમાં મોટા રાજ્યોમાં બિહાર અને પશ્ચિમ બંગાળ પછી ત્રીજા નંબરે છે.
આ પણ વાંચો: ગુજરાતની ગૃહિણીઓને રાહત થઇ, ટામેટાના ભાવ ઘટ્યા
2021-22માં પ્રાથમિકમાં એટલે કે ધો.1થી 5માં રાજ્યનો ડ્રોપઆઉટ રેટ શૂન્ય
અગાઉ વર્ષ 2020-21માં રાજ્યમાં પ્રાથમિક શિક્ષણમાં છોકરાઓનો 0.9 ટકા અને છોકરીઓનો 1.1 ટકા ડ્રોપઆઉટ રેટ હતો. આ વખતે 2021-22માં પ્રાથમિકમાં એટલે કે ધો.1થી 5માં રાજ્યનો ડ્રોપઆઉટ રેટ શૂન્ય છે, પણ ઉચ્ચ પ્રાથમિકમાં ધો.6થી 8માં છોકરાઓમાં 4.2 ટકા અને છોકરીઓમાં 5.8 ટકા ડ્રોપઆઉટ રેટ છે. એવી જ રીતે ધો.9થી 10માં રાજ્યમાં છોકરાઓમાં 19.4 ટકા અને છોકરીઓમાં 15.9 ટકા ડ્રોપઆઉટ રેટ છે. આનો મતલબ એ છે કે રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ સ્તરે છોકરીઓનો ડ્રોપઆઉટ રેટ છોકરાઓ કરતાં વધારે છે, પણ માધ્યમિક સ્તરે ધો.9થી 10માં ચિત્ર તદ્દન ઊંધુ થઈ જાય છે, છોકરીઓનો ડ્રોપઆઉટ રેટ છોકરાઓ કરતાં 3.5 અંક નીચો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય હેઠળ શાળાકીય શિક્ષણ અને સાક્ષરતા વિભાગે ડ્રોપઆઉટ રેટના આ આંકડા જાહેર કર્યા છે.
આ પણ વાંચો: ગુજરાત: ફાયર અધિકારીએ એનઓસી રિન્યુ કરવા લાંચની માંગણી કરતા ભરાયા
10 હજાર કરોડના માતબર ખર્ચ છતાં ડ્રોપઆઉટ રેટ વધ્યો
ગુજરાતમાં સરકારી શાળાઓમાં શિક્ષણની સ્થિતિ સુધારવાને નામે વિદ્યા સમીક્ષા પ્રોજેક્ટમાં રૂ.10 હજાર કરોડ ખર્ચાઈ રહ્યાં છે. આમ છતાંય ગુજરાતની સરખામણીમાં અન્ય મોટા રાજ્યોમાં શિક્ષણની સાથોસાથ ડ્રોપઆઉટની સ્થિતિ ઘણી સારી છે. રાજ્યમાં 1,657 કરતાં વધુ સરકારી સ્કૂલો એક શિક્ષકથી ચાલે છે.