દ્રૌપદી મુર્મુ બનશે ગુજરાતના મહેમાન, જાણો રાષ્ટ્રપતિનો સમગ્ર કાર્યક્રમ
દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાત આવશે. તેઓ 2જી અને 3જી ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવશે. આ પ્રથમ વખત બનશે જ્યારે તેઓ રાષ્ટ્રપતિ તરીકે ગુજરાતના મહેમાન બનશે. રાષ્ટ્રપતિની મુલાકાતને લઈને વહીવટી તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દ્રૌપદી મુર્મુએ 25 જુલાઈના રોજ દેશના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા.
દ્રૌપદી મુર્મુ બનશે ગુજરાતના મહેમાન
રાષ્ટ્રપતિ 2 ઓક્ટોબરે ગુજરાત પહોંચશે. દ્રૌપદી મુર્મુ અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાત લેશે અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપશે. ત્યારબાદ તેઓ બીજા દિવસે ગાંધીનગરમાં નવી સિવિલ હોસ્પિટલનો શિલાન્યાસ કરશે. રાષ્ટ્રપતિની મુલાકાત માટે તમામ પ્રોટોકોલ સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક વહીવટીતંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ તરીકે તેમના પ્રથમ આગમન પર ભવ્ય સ્વાગતની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. એરપોર્ટથી દરેક જગ્યાએ તેમનું સ્વાગત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ એવા સમયે ગુજરાતની મુલાકાતે છે જ્યારે ગુજરાત ઉત્સવોમાં તરબોળ છે અને નવરાત્રિ પર ગરબા ગૂંજી રહ્યા છે. દ્રૌપદી મુર્મુ દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા પહેલા 17 જુલાઈના રોજ ગુજરાત આવ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. જે બાદ તેઓ એક હોટલમાં રોકાયા હતા. જ્યાં તેમણે રાજ્યના ભાજપના ધારાસભ્યો અને સાંસદો સાથે બેઠક કરી હતી. જેમાં તેમનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું.
પીએમ બાદ રાષ્ટ્રપતિની મુલાકાત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પછી થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બે દિવસના રોકાણ પર આવી રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત, ભાવનગર, અમદાવાદ અને અંબાજીમાં અનેક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની મુલાકાત દરમિયાન તેમના ગૃહ રાજ્ય ગુજરાતને અનેક મોટી ભેટ આપશે. જેમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના પ્રારંભથી લઈને અમદાવાદ મેટ્રોના લોન્ચિંગ સુધીના મોટા કાર્યક્રમોનો સમાવેશ થાય છે.