જૂનાગઢમાં મેઘતાંડવનો ડ્રોન નજારો: માણાવદર તાલુકામાં 16 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો
જૂનાગઢ, 02 જુલાઈ 2024, જિલ્લામાં અનરાધાર વરસાદે મેઘતાંડવ જેવી સ્થિતિ સર્જી છે. જિલ્લાના માણાવદર તાલુકામાં સૌથી વધુ 16 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. હાલ માણાવદર તાલુકાના પીપલાણા ગામનાં ડ્રોન દૃશ્યો સામે આવ્યાં છે. પીપલાણા ગામ બેટમાં ફેરવાયું છે. જેમાં ખેતરો, ઘરો અને ગલીઓમાં માત્ર પાણી જ પાણી નજરે પડે છે.ગઈકાલે રાત્રે જૂનાગઢ શહેરમાં છ ઇંચથી વધુ વરસાદ વરસતા ભયંકર સ્થિતિનું નિર્માણ થયું હતું. જેમાં શહેરની અનેક બિલ્ડિંગોમાં પાણી ઘૂસ્યાં હતાં. રોડ પર પાણીમાં વાહનો ગરકાવ થયાં હતાં.
વંથલી સહિતના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા
જૂનાગઢના સમગ્ર જિલ્લામાં મેઘતાંડવ જેવી પરિસ્થિતિ સર્જાઇ છે ત્યારે જૂનાગઢના લોકો ગયા વર્ષે જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી તે ન સર્જાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. માણાવદરમાં 17 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જૂનાગઢ જિલ્લાના માણાવદર વંથલી કેશોદ તેમજ જૂનાગઢ શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઇ હતી.ગિરનારમાં વધુ વરસાદ પડતા દામોદર કુંડમાં નવા નીર આવ્યા હતા.ગઈકાલે મોડી રાતથી જ પડેલા વરસાદના કારણે સોનરખ નદી ગાંડતૂર થઈ હતી. ઉપરવાસમાં વધુ વરસાદના કારણે આણંદપુર, બાંટવા, સાવલી, ઓઝત, ઉબેણ, કેરાળા ડેમ, ઓવરફ્લો થયા હતા.વંથલી નજીક આવેલી ઓઝત વિયર ડેમમાં પાણી આવતા પુર પ્રવાહે ઓઝતના પાણી વહેતા થયા હતા.
તાલુકાના 17થી 18 ગામો સંપર્ક વિહોણા બન્યા
વધુ વરસાદને કારણે માણાવદર તાલુકાના ગામો બેટમાં ફેરવાયા હતા. તાલુકાના 17થી 18 ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. ઇન્દ્રા, જીંજરી, પીપલાણા, થાનિયાણા સહિતના 15થી વધુ ગામોમાં પાણી ઘુસ્યા હતા. જેમાં જુનાગઢથી પોરબંદર જતો હાઈવે સરાડીયા ગામ પછી વધુ વરસાદના કારણે બંધ રહ્યો હતો.સરાડીયા રસ્તો બંધ થતા તંત્ર તાત્કાલિક દોડતું થયું હતું.કેશોદની ઓઝત નદી પર પાળો તૂટતા ઘેડ પંથકમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. સિંચાઇ વિભાગ દ્વારા ચોમાસા પહેલા બનાવવામાં આવેલ પથ્થરના બ્લોક પાણીમાં વ્હ્યા હતા.તમામ તાલુકાના નિચાણ વાળા વિસ્તારોને ઉપરવાસમાં વધુ વરસાદ પડવાના કારણે નદીના પટમાં અવરજવર કરવાની મનાઈ કરવામાં આવી છે.
ઉબેણ નદી પરના ડેમ ઓવર ફ્લો થયા
આ મામલે જુનાગઢ કલેક્ટર અનિલ રાણાવસીયા એ જણાવ્યું હતું કે, જુનાગઢ જિલ્લામાં જે સતત વરસાદ વરસી રહ્યો છે. જુનાગઢ જિલ્લાના માણાવદર વંથલી વિસાવદર ભેસાણ જુનાગઢ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ જ વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ માણાવદરમાં નોંધાયો છે ત્યારે તંત્ર દ્વારા માણાવદર તાલુકાના છ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જુનાગઢ જિલ્લામાં 17 જેટલા ડેમો આવેલા છે. વધુ વરસાદના કારણે ત્રણ જેટલા ડેમો ઓવરફ્લો થયા છે. જેમાં ઓઝત વિયર, આણંદપુર, શાપુર અને ઉબેણ નદી પરના ડેમ ઓવર ફ્લો થયા છે.