રાજકોટથી અંબાજી જઈ રહેલા કારચાલકે રાહદારીને અડફેટે લીધો, સારવાર પહેલા મૃત્યુ
અમદાવાદ, 16 ઓગસ્ટ 2024, રાજકોટનો યુવાન તેના પરિચિતની કાર લઈને અંબાજી દર્શન કરવા જઈ રહ્યો હતો. 15 ઓગસ્ટે રાતના સમયે તેઓ કાર લઈને સાણંદ ચોકડી પાસેના બ્રિજ નજીક પહોચ્યા હતાં, ત્યારે રસ્તો પસાર કરી રહેલો યુવક અડફેટે આવતા તેને ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ કારમાં સવાર યુવકો દ્વારા ઈજાગ્રસ્તને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ યુવકને સારવાર મળે તે પહેલાં જ તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે ટ્રાફિક પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે.
કારની અડફેટે આવતા યુવક નીચે પડી ગયો હતો
પ્રાપ્ત વિગતો પ્રમાણે સરખેજ હાઈવે પર સાણંદ ચોકડી નજીક 15મી ઓગસ્ટની રાતે એક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અજાણ્યા યુવકનું કારની અડફેટે આવતા મૃત્યુ નીપજ્યું છે. રાજકોટના પાર્થ બીપીનભાઈ તન્ના કાર લઈને અંબાજી દર્શન કરવા જઈ રહ્યા હતાં. ત્યારે સાણંદ ચોકડી પાસે આવેલા બ્રિજના છેડે તેઓ કાર લઈને જઈ રહ્યા હતા, તે સમયે રસ્તા પરથી આસરે એક 30 વર્ષનો યુવક રસ્તો પસાર કરી રહ્યો હતો. આ સમયે તેમની કારની અડફેટે આવતા યુવક નીચે પડી ગયો હતો.
પોલીસે મૃતક યુવકની ઓળખ માટેના પ્રયાસ શરૂ કર્યા
આ અકસ્માત થયા બાદ ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે 108 દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.ત્યારબાદ અકસ્માત કરનાર અને તેના સાથેનો એક વ્યક્તિ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. પરંતુ અકસ્માતમાં ઘાયલ યુવકનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર બનાવની જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી કારચાલક આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ ઉપરાંત પોલીસે મૃતક યુવકની ઓળખ માટેના પ્રયાસ શરૂ કર્યા છે. હાલ તેની પાસેથી માત્ર હાથ પર લખેલું નિશાન જાણવા મળ્યું છે. પોલીસે આકસ્માતની તપાસ સંદર્ભે સીસીટીવી એકત્ર કરવાના પણ પ્રયાસો હાથ ધર્યા છે.
આ પણ વાંચોઃબહુચરાજી પાસે ટ્રેલર અને રિક્ષા વચ્ચે અકસ્માત, બાળકનું ઘટનાસ્થળે મૃત્યુ