ઠંડીમાં પીવો તજની ચા, આ બીમારીઓથી બચીને રહેશો
- જો ઠંડીની સીઝનમાં તજની ચા બનાવીને પીવામાં આવે તો હવામાન સંબંધિત બીમારીઓ જેમ કે શરદી, કફ, ખાંસી, તાવમાંથી છુટકારો મળે છે. તજના સેવનથી ઈમ્યુનિટિ મજબૂત બને છે.
નવેમ્બર મહિનાની શરૂઆત થઈ ત્યારથી જ ઠંડીનો અહેસાસ થવા લાગ્યો હતો, દિવાળી ગઈ અને આ ઠંડી વધવા લાગી. હવે ધીમે ધીમે રોજેરોજ ઠંડીનો ચમકારો અનુભવાશે. હેલ્થ એક્સપર્ટની વાત માનીએ તો આ સીઝનમાં વ્યક્તિની ઈમ્યુનિટી ઘટે છે અને સાથે સાથે મોસમ સંબંધિત બીમારીઓનું આગમન થાય છે. ઠંડીની સીઝનમાં તાવ, વાઈરલ, શરદી, ખાંસી, સાઈનસનો અનુભવ થાય છે. કેટલાક લોકોને તો વધારે પડતી જ ઠંડી લાગે છે. ગરમ કપડા પહેર્યા બાદ પણ તેમનું શરીર ઠંડુ રહે છે. વધુ પડતી ઠંડીમાં હાથ પગ સુન્ન થઈ જાય તેવું પણ બને છે. અહીં એક ઘરેલુ ઉપાય જાણો જે તમારા શરીરને ગરમ રાખવામાં મદદ કરશે.
રસોડામાં રાખેલા તજ એક એવો મસાલો છે જે શરીરને ગરમ રાખે છે. આદુ અને તજમાં ઔષધીય ગુણો હોય છે. તે શરીરને ગરમ રાખે છે. તે તમને ઠંડીથી બચાવે છે.
શરીરને કેવી રીતે ગરમ રાખશે તજની ચા
જો ઠંડીની સીઝનમાં તજની ચા બનાવીને પીવામાં આવે તો હવામાન સંબંધિત બીમારીઓ જેમકે શરદી, કફ, ખાંસી, તાવમાંથી છુટકારો મળે છે. તજના સેવનથી ઈમ્યુનિટિ મજબૂત બને છે. શરીરને હેલ્ધી બનાવી રાખવામાં મદદ મળે છે. તજનું સેવન ઠંડીમાં કરવામાં આવે તો કોલેસ્ટ્રોલ પણ ઘટે છે અને હાર્ટ પણ હેલ્ધી રહે છે. શરીરને ગરમ રાખવા માટે તજની ચા બનાવીને પીવો.
કેવી રીતે બનાવશો ચા
તજની ચા બનાવવા માટે તપેલીમાં એક ગ્લાસ પાણી ગરમ કરો. ત્યારબાદ તેમાં એક ટુકડો તજ નાંખી દો. ત્યારબાદ તેમાં આદુનો ટુકડો પણ એડ કરી શકો છો. તે ફરજિયાત નથી. પાણી અડધું થાય ત્યાં સુધી ઉકાળો. ત્યારબાદ તે હૂંફાળુ થાય ત્યારે તેનું સેવન કરો.
આ પણ વાંચોઃ લાભ પાંચમ એટલે દિવાળીના તહેવારની પુર્ણાહૂતિઃ જાણો ધંધાનું મુહૂર્ત