અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

સોનાની દાણચોરી કરતી સિન્ડીકેટનો DRIએ ભાંડો ફોડ્યો, 7.75 કરોડની કિંમતનું સોનું કર્યું જપ્ત, 10ની ધરપકડ

અમદાવાદ, 25 મે: સોનાની દાણચોરી પર મોટી કાર્યવાહી કરતાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ના અધિકારીઓએ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીકની એક હોટલમાંથી ચાલતી સોનાની દાણચોરીની સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન ડીઆરઆઈએ 7.75 કરોડ રૂપિયાની કિંમતનું 24 કેરેટ શુદ્ધતાનું કુલ 10.32 કિલોગ્રામ (કિલો) સોનું જપ્ત કર્યું છે.

ગુપ્ત માહિતીના આધારે DRIના અધિકારીએએ પકડી દાણચોરી

વિશિષ્ટ ગુપ્ત જાણકારીના આધારે, ડીઆરઆઈના અધિકારીઓએ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (એસવીપીઆઈ) પર અબુ ધાબીથી આવેલા બે મુસાફરો અને તેમને આવકારવા માટે એરપોર્ટ પર આવેલી અન્ય બે વ્યક્તિઓનો સાવધાનીથી પીછો કર્યો. ડીઆરઆઈના અધિકારીઓએ અમદાવાદ એરપોર્ટ વિસ્તાર નજીકની એક હોટલ પાસે મુસાફરો અને રિસીવરોને રોક્યા હતા.

મુસાફરોની અંગત તલાશી લેતાં તેમના અંડરગાર્મેન્ટ્સમાં સંતાડેલી 3596.36 ગ્રામ વિદેશી બનાવટના દાણચોરીની સોનાની પેસ્ટ મળી આવી હતી. સ્થિતિ પર પ્રતિક્રિયા કરતા ડીઆરઆઈ અધિકારીઓની ટીમે હોટલમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જ્યાં સિન્ડિકેટના અન્ય સભ્યો રોકાયા હોવાનું જાણવા મળ્યું હતું. સઘન પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, સિન્ડિકેટના અન્ય એક સભ્ય દ્વારા દાણચોરી કરીને લાવવામાં આવેલી સોનાની પેસ્ટ મેળવ્યા બાદ એક વ્યક્તિ અમદાવાદથી નીકળી ચૂક્યો હતો, જે વહેલી સવારની ફ્લાઈટમાં આવ્યો હતો અને વંદે ભારત એક્સપ્રેસ દ્વારા મુંબઈ તરફ જઈ રહ્યો હતો. ડીઆરઆઈના અધિકારીઓએ બોરીવલી સ્ટેશન પર તે વ્યક્તિને અટકાવ્યો હતો. તેની પાસેથી પેસ્ટ સ્વરૂપે 2,551.000 ગ્રામ સોનું મળી આવ્યું હતું.

પૂછપરછ દરમિયાન મળેલી જાણકારીના આધારે ડીઆરઆઈના અધિકારીઓએ આ જ સિન્ડિકેટના અન્ય એક મુસાફરને અટકાવ્યો હતો, જે એસવીપીઆઈ એરપોર્ટ, અમદાવાદ ખાતે દુબઈથી આવી રહ્યો હતો, જેના પરિણામે 5.5 કિલો સોનાની વધુ પેસ્ટ મળી આવી હતી. કુલ જપ્તીમાં 10.32 કિલો સોનું છે, જેની કિંમત 7.75 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

પકડાયેલા મુસાફરો અને સિન્ડિકેટ સભ્યોએ દુબઈ/અબુધાબીથી સોનાની પેસ્ટની દાણચોરી કરીને અમદાવાદમાં તેમના હેન્ડલરને પહોંચાડવાની કબૂલાત કરી હતી. દાણચોરીમાં સક્રિય રીતે સંકળાયેલા મુખ્ય હેન્ડલર સહિત તમામ દસ સભ્યોની ડીઆરઆઈ દ્વારા કસ્ટમ્સ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

જે મોડસ ઓપરેન્ડી મળી આવી છે તેમાં અમદાવાદ એરપોર્ટ પરથી પસાર થતી ચેન્નાઈની એક ગોલ્ડ કેરિયર ગેંગનો સમાવેશ થાય છે. સિન્ડિકેટના સભ્યોએ ‘કેરિયર્સ’ તરીકે કામ કરતા તામિલનાડુના વિવિધ વ્યક્તિઓ મારફતે વિદેશી મૂળના સોનાની પેસ્ટની દાણચોરી કરી હતી. નજીકની એક હોટેલમાં એક હેન્ડલર દાણચોરીનો સામાન મેળવતો હતો અને તરત જ આ સોનાને મુંબઈ, ચેન્નાઈ અને અન્ય સ્ટેશનો પર લઈ જવા માટે બીજી વ્યક્તિની ગોઠવણી કરતો હતો. તપાસથી જાણમાં આવે છે કે સિન્ડિકેટ છેલ્લા ચાર મહિનાથી સક્રિય હતી.

ડીઆરઆઈ અમદાવાદ દ્વારા કરવામાં આવેલી આ નોંધપાત્ર જપ્તી ગેરકાયદેસર સોનાની દાણચોરી સામે લડવાની અને ભારતના આર્થિક હિતોની સુરક્ષા માટેની તેમની અવિરત પ્રતિબદ્ધતાનો પુરાવો છે.

આ પણ વાંચો: સુરતઃ સ્માર્ટ મીટરએ જનતાને લૂંટવાનું સ્માર્ટ આયોજન છે? જાણો શું કહ્યું SMC નાં વિરોધ પક્ષે

Back to top button