મહાકુંભમાં જવાના સપનાં રહ્યાં અધૂરાં: ગુજરાતી શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, ૧ નું મૃત્યુ
નવસારી: ૩૦ જાન્યુઆરી: ગુજરાતમાંથી મહાકુંભમાં અત્યાર સુધીમાં 50 લાખ લોકો જઈ ચૂક્યા છે અને હજી પણ ધસારો યથાવત્ જ છે. ગુજરાતમાંથી મહાકુંભમાં જતી બધી ટ્રેનો, ફ્લાઇટ, ખાનગી ટ્રાવેલ્સની બસો અને સરકારે શરૂ કરેલી સર્વિસ બધુ પેક છે ત્યારે ગુજરાતી શ્રદ્ધાળુઓ કાર અને વાહનો લઈને નીકળી જાય છે. તેવામાં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. નવસારીથી કારમાં ગયેલા ગુજરાતી શ્રદ્ધાળુને અકસ્માત નડ્યો છે, જેમા એક મહિલાનું મૃત્યુ નીપજ્યું છે.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટ પર અમૃત સ્નાન કરવા દેશ-વિદેશથી કરોડો લોકો પહોંચી રહ્યા છે. ત્યારે નવસારીની જલારામનગર સોસાયટીમાં રહેલા સ્વાતિ પટેલ પોતાના સગા-સંબંધીઓ સાથે મહાકુંભમાં ભાગ લેવા માટે નીકળ્યા હતા. ત્યારે રવિવારે રાત્રે ચિત્રકૂટ પાસે અકસ્માત સર્જાયો હતો. પાછળથી આવી રહેલી અન્ય કાર તેમની કારને ઓવરટેક કરવા જતાં ટક્કર વાગી હતી. આ અકસ્માતમાં સ્વાતિબેન પટેલને ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ થયું હતું, જ્યારે આ અકસ્માતમાં અન્ય 7 લોકોને ઇજાઓ પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
મહાકુંભમાં સ્નાન કરવા નીકળેલા સ્વાતિબેન પટેલની ઇચ્છા અધૂરી રહી ગઇ હતી. મૃતક સ્વાતિબેન પટેલના મૃતદેહને નવસારી લાવવામાં આવ્યો હતો અને તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. આ અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકો હાલ સુરક્ષિત રીતે ઘરે પરત ફર્યા છે. ઉત્તર પ્રદેશ પોલીસ હાલ આ અકસ્માત અંગે તપાસ કરી રહી છે.
આ પણ વાંચો..મહાકુંભની “હીરોઈન” મોનાલિસાએ કરી દીધી પહેલી હિન્દી ફિલ્મ સાઈન! જાણો વિગતો