પોલીસની ડ્રીમગર્લ સ્ટાઈલ, છોકરીના અવાજમાં વાત કરી સાયબર ઠગ ઝડપ્યો
- પોલીસે વોઈસ એપ દ્વારા છોકરીના અવાજમાં આરોપી સાથે વાત કરવાનું શરૂ કર્યું
- આરોપી વાતોમાં આવી ગયો અને પોલીસે તેનું લોકેશન શોધી કાઢ્યું
- યુપીના એક ઈન્સ્પેક્ટર પાસે 99 હજારની ઠગાઈ કરી હતી
આગ્રા: ઉત્તર પ્રદેશના આગ્રામાં પોલીસે એક એવા સાઈબર ઠગને ઝડપી લીધો છે, જેણે યુપી પોલીસના એક ઈન્સ્પેક્ટરને પણ છોડ્યા ન હતા. છેતરપિંડી કરનારે ઇન્સ્પેક્ટર સાથે રૂ. 99 હજારની છેતરપિંડી કરી હતી. પોલીસકર્મીઓએ છોકરીના અવાજમાં વાત કરીને તેને ફસાવ્યો હતો. આ પછી રાજસ્થાનના અલવરમાં દરોડા પાડીને તેની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી બે સિમ કાર્ડ, મોબાઈલ ફોન અને છેતરપીંડીથી લીધેલા 90 હજાર રૂપિયા મળી આવ્યા છે.
પોલીસે ફિલ્મ ડ્રીમ ગર્લની સ્ટાઈલ અપનાવી હતી. આ ફિલ્મમાં એક્ટર આયુષ્માન ખુરાના લોકો સાથે મોબાઈલ પર છોકરીના અવાજમાં વાત કરતો હતો. પોલીસે પણ આ જ પદ્ધતિ અપનાવી હતી. કહેવાય છે કે જો પોલીસ ધારે તો તેની ચુંગાલમાંથી કોઈ ગુનેગાર છટકી શકે નહીં. આ ગુનેગાર સાથે પણ આવું જ થયું.
112 PRV પર કાર્યરત ઇન્સ્પેક્ટર રક્ષપાલ સિંહને અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. આરોપીએ પોતાની ઓળખાણ તેમના સંબંધી તરીકે આપી હતી અને અકસ્માત થયો હોવાની માહિતી આપી હતી. તાત્કાલિક સર્જરીના બહાને તેમની પાસેથી પૈસાની માંગણી કરી હતી. નજીકના સંબંધીને અકસ્માત થયો છે એ જાણીને ઈન્સપેક્ટરે વાતની ખરાઈ કર્યા વિના તરત જ ફોન કરનારે આપેલા બેંક ખાતામાં રૂ. 99,000 ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેમણે 12 ઓક્ટોબરે સાયબર સેલમાં ફરિયાદ કરી હતી. શાહગંજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ છેતરપિંડીની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
વોઈસ એપ દ્વારા જાળ બિછાવી
શાહગંજ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ આલોક કુમારે જણાવ્યું કે, પોલીસે વોઈસ એપ દ્વારા છોકરીના અવાજમાં આરોપીના ફોન નંબર પર વાત કરવાનું શરૂ કર્યું. આરોપી વાતોમાં આવી ગયો અને અને પોલીસે તેનું લોકેશન શોધી કાઢ્યું. આરોપી રાજ યાદવ ઉર્ફે રાજુની અલવરમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
ફેસબૂક પરથી સંબંધીઓની માહિતી મળતી હતી
પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે તેને કર્ણાટકના નકલી આઈડી પર લીધેલું સિમ તેના મિત્ર પાસેથી મળ્યું હતું. શિકાર બનાવતા પહેલા તે લોકોનું ફેસબુક એકાઉન્ટ જોતો હતો અને તેના નજીકના સંબંધીઓ વિશે જાણકારી મેળવતો હતો. આ પછી તેઓ લોકોને છેતરવાનું શરૂ કરી દેતો હતો.
આ પણ વાંચો, અમદાવાદમાં હવાનું પ્રદુષણ વધ્યું, આ વિસ્તાર બન્યો બિન આરોગ્ય યુક્ત