દેશનાં 15માં રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મુ 25મી જુલાઈએ શપથ લેશે, જાણો નવા રાષ્ટ્રપતિ 25મી જુલાઈએ જ કેમ શપથ લે છે?


NDAનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મુ દેશનાં 15મા રાષ્ટ્રપતિ બનશે. તેઓ આ સર્વોચ્ચ બંધારણીય પદ પર પહોંચનારા દેશનાં પહેલાં આદિવાસી અને બીજા મહિલા રાષ્ટ્રપતિ બનશે. ગુરુવારે સવારે 11 વાગ્યે કાઉન્ટિંગ શરૂ થયું, જેમાં NDAનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ UPAના ઉમેદવાર યશવંત સિન્હાને ત્રીજા રાઉન્ડની ગણતરીમાં જ હરાવી દીધા.
મુર્મુને જીત માટે જરૂરી 5 લાખ 43 હજાર 261 વોટ ત્રીજા રાઉન્ડમાં જ મળી ગયા. થર્ડ રાઉન્ડમાં જ મુર્મુને 5 લાખ 77 હજાર 777 વોટ મળ્યા. તો યશવંત સિન્હાને 2 લાખ 61 હજાર 62 વોટ મળ્યા, જેમાં રાજ્યસભા અને લોકસભાના સાંસદો સહિત 20 રાજ્યના વોટ સામેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જેપી નડ્ડા મુર્મુને મળવા તેમના ઘરે પહોંચ્યા.
મુર્મુને કુલ કુલ 2824 વોટ, સિન્હાને કુલ 1877 વોટ મળ્યા
રાષ્ટ્રપતિ ચૂંટણીના વોટની ગણતરી ગુરુવારે મોડી રાત્રે 4 રાઉન્ડ બાદ પૂર્ણ થઈ ગઈ. કુલ 4754 વોટ પડ્યા હતા. ગણતરી વખતે 4701 વોટ કાયદેસર અને 53 અમાન્ય થયા. કુલ વોટનો કોટા 5,28,491 હતો, જેમાં દ્રૌપદી મુર્મુને કુલ 2824 વોટ મળ્યા, જેની વેલ્યુ 6 લાખ 76 હજાર 803 હતી. કેરળથી મુર્મુને સૌથી ઓછા માત્ર એક અને યુપીથી સૌથી વધુ 287 વોટ મળ્યા.
તો યશવંત સિન્હાને કુલ 1877 વોટ મળ્યા, જેની વેલ્યુ 3 લાખ 80 હજાર 177 રહી. બીજી તરફ સિન્હાને આંધ્રપ્રદેશ, નાગાલેન્ડ અને સિક્કિમમાંથી એકપણ વોટ મળ્યો નહોતો, જ્યારે તેમને સૌથી વધુ 216 વોટ પશ્ચિમ બંગાળમાંથી મળ્યા હતા. વોટ સરેરાશની વાત કરીએ તો દ્રૌપદી મુર્મુને 64% અને યશવંત સિન્હાને 36% વોટ મળ્યા.

25મી જુલાઈએ શપથ લેશે
દ્રૌપદી મુર્મુએ ઐતિહાસિક જીત મેળવી છે, ત્યારે હવે તેઓ 25મી જુલાઈએ રાષ્ટ્રપતિ પદના શપથ લેશે. ભારતમાં વર્ષોથી ચાલી આવેલી પરંપરા છે કે નવા રાષ્ટ્રપતિ 25 જુલાઈના રોજ શપથ લે છે. આ અગાઉ હાલના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, તેમના પહેલાના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને પ્રતિભા પાટિલે પણ 25 જુલાઈના રોજ શપથ લીધા હતા. આ બધા અગાઉ પણ જે રાષ્ટ્રપતિ બન્યા તેમણે 25 જુલાઈના રોજ શપથ લીધા હતા. અત્યાર સુધીમાં દેશના કુલ 9 રાષ્ટ્રપતિઓએ 25 જુલાઈએ શપથ લીધા છે.
રાષ્ટ્રપતિ પદના શપથ 25 જુલાઈએ જ કેમ લે છે?
રાષ્ટ્રપતિ 25મી જુલાઈએ જ શપથ ગ્રહણ કરે તેની પાછળ કોઈ માન્યતા નથી. છઠ્ઠા રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડી અને ત્યારબાદ અત્યાર સુધીના તમામ રાષ્ટ્રપતિઓએ પોતાનો કાર્યકાળ પૂરો કર્યો છે. અગાઉ જાણ્યું તેમ રાષ્ટ્રપતિનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે. નીલમ સંજીવ રેડ્ડી, અને ત્યારબાદ અત્યાર સુધીના 7 રાષ્ટ્રપતિઓ એમ કુલ 8 રાષ્ટ્રપતિએ પોતાનો કાર્યકાળ પૂરો કર્યો. આથી દર વખતે તેમનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થવાની સાથે જ 25 જુલાઈએ નવા રાષ્ટ્રપતિ શપથ લે છે. હાલના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ પણ 24 જુલાઈએ પૂરો થવા જઈ રહ્યો છે. આથી આ વખતે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીતેલા ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ 25 જુલાઈએ શપથ લેશે.

કયા રાષ્ટ્રપતિએ પહેલીવાર 25 જુલાઈએ લીધા શપથ
દેશન છઠ્ઠા રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડી પહેલા રાષ્ટ્રપતિ હતા જેમણે 25 જુલાઈએ શપથ લીધા. દેશમાં ઈમરજન્સી બાદ જ્યારે પહેલીવાર રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી થઈ ત્યારે પૂર્વમાં જનતા પાર્ટીના નેતા રહી ચૂકેલા નીલમ સંજીવ રેડ્ડી દેશના રાષ્ટ્રપતિ ચૂંટાઈ આવ્યા. તેમણે 25 જુલાઈ 1977ના રોજ દેશના રાષ્ટ્રપતિ પદના શપથ લીધા.
કેટલા રાષ્ટ્રપતિઓએ 25 જુલાઈએ શપથ નથી લીધા
અત્યાર સુધીમાં 5 રાષ્ટ્રપતિ એવા રહ્યા કે જેમણે 25 જુલાઈએ શપથ લીધા નથી. તેમાં સૌથી પહેલું નામ પહેલા રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદનું આવે. તેમણે 26 જાન્યુઆરી 1950ના રોજ પદના શપથ લીધા હતા અને અત્યાર સુધીમાં તેઓ એકમાત્ર એવા રાષ્ટ્રપતિ છે જેઓ એક કરતા વધુ કાર્યકાળ માટે ચૂંટાયા. દેશના બીજા રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણને 13 મે 1962ના રોજ શપથ લીધા હતા. જ્યારે ઝાકિર હુસૈને 13 મે 1967ના રોજ ત્રીજા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. ઝાકિર હુસૈનનું તેમના કાર્યકાળ દરમિયાન નિધન થયું હતું. ત્યારબાદ ચોથા રાષ્ટ્રપતિ વીવી ગિરીએ 24 ઓગસ્ટ 1969ના રોજ રાષ્ટ્રપતિ પદના શપથ લીધા. જ્યારે પાંચમા રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદે 24 ઓગસ્ટ 1974ના રોજ શપથ લીધા. પાંચમા રાષ્ટ્રપતિનું પણ તેમના કાર્યકાળ દરમિયાન જ નિધન થયું હતું.
આ દરમિયાન ત્રણવાર એવું પણ બન્યું કે જ્યારે દેશમાં કાર્યવાહક રાષ્ટ્રપતિ બન્યા. પહેલીવાર ત્યારે જ્યારે ઝાકિર હુસૈનનું નિધન થયું તો તે સમયે વીવી ગિરી 3 મે 1969ના રોજ 78 દિવસ સુધી કાર્યવાહક રાષ્ટ્રપતિ રહ્યા. ત્યારબાદ 20 જુલાઈ 1969થી આગામી 35 દિવસ સુધી મોહમ્મદ હયાતુલ્લા કાર્યવાહક રાષ્ટ્રપતિ બન્યા. પાંચમા રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદના નિધન બાદ બીડી જત્તી પણ 11 ફેબ્રુઆરી 1977થી આગામી 164 દિવસ સુધી કાર્યવાહક રાષ્ટ્રપતિ રહ્યા.