નવી ટેલિકોમ નીતિનો ડ્રાફ્ટ જારી, 2030 સુધીમાં સર્જાશે 10 લાખ જોબ

નવી દિલ્હી, 7 ઓગસ્ટ, 2025: સંદેશાવ્યવહાર વિભાગ (DoT)એ નવી ટેલિકોમ પોલિસીનો ડ્રાફ્ટ જારી કરી દીધો છે. National Telecom Policy 2025માં વર્ષ 2030 સુધી પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે 10 લાખ નવી નોકરીઓનું સર્જન કરવાનો અને દર વર્ષે આ ક્ષેત્રમાં એક લાખ કરોડ રૂપિયાના રોકાણનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ પોલિસીનો ઉદ્દેશ્ય 5G, 6G, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, ક્વોન્ટમ કોમ્યુનિકેશન, સેટેલાઇટ નેટવર્ક અને બ્લોકચેઇન જેવી ઉભરતી ટેકનોલોજીના ક્ષેત્રના રિસર્ચ અને ઇનોવેશનમાં દુનિયાના 10 ગ્લોબલ હબમાં ભારતને સામેલ કરવાનો છે.
ગુરુવારે બહાર પાડવામાં આવેલી આ ડ્રાફ્ટ પોલિસી (નવી ટેલિકોમ પોલિસી)માં જણાવાયું છે કે, “રાષ્ટ્રીય ટેલિકોમ પોલિસી 2025 (NTP 2025)નો ધ્યેય દરેકને ‘યુનિવર્સલ કનેક્ટિવિટી’ પૂરી પાડવાનો અને ભારતના GDPમાં આ ક્ષેત્રના યોગદાનને બમણું કરવાનો છે.” NTP 2025ના 6 મિશન આ નીતિના કેન્દ્રમાં 6 વ્યૂહાત્મક મિશન છે. પહેલું સાર્વત્રિક કનેક્ટિવિટી, બીજું નવીનતાને પ્રોત્સાહન આપવું, ત્રીજું સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવું, ચોથું સુરક્ષિત અને વિશ્વસનીય નેટવર્ક સુનિશ્ચિત કરવું, પાંચમું ઇઝ ઓફ લિવીંગ અને વ્યવસાય કરવાની સરળતામાં વધારો કરવો અને છઠ્ઠું ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવું. ટેલિકોમ્યુનિકેશન વિભાગે 21 દિવસમાં આ ડ્રાફ્ટ પર વિવિધ પક્ષો પાસેથી સૂચનો માંગ્યા છે. આ નીતિ ભારતને ડિજિટલ ટેકનોલોજીમાં અગ્રણી ગ્રાહક બનાવશે એટલુ જ નહીં, પરંતુ તેને ટેલિકોમ ઉત્પાદનો, સેવાઓ અને ઉકેલોના સંદર્ભમાં વૈશ્વિક પ્રોવાઇડર પણ બનાવશે. ભારતને વિશ્વનો ટેલિકોમ ઉત્પાદક બનાવવાનું લક્ષ્ય
ડ્રાફ્ટ મુજબ, રાષ્ટ્રીય ટેલિકોમ પોલિસી 2025 ભારતને વિશ્વ માટે ટેલિકોમ પ્રોડક્ટ ઉત્પાદક તરીકે સ્થાપિત કરશે. તે સંશોધન, કાર્યબળના કૌશલ્યમાં વધારો અને માળખાગત સુવિધાઓના આધુનિકીકરણમાં રોકાણ માટે એક વ્યાપક યોજના આપે છે. સ્માર્ટ શહેરો, ઉદ્યોગ 4.0, ગ્રામીણ બ્રોડબેન્ડ, કટોકટી પ્રતિભાવ અને ડિજિટલ શાસન માટે કાર્યક્ષમ સ્પેક્ટ્રમ વ્યવસ્થાપનનું વિઝન પણ રજૂ કરવામાં આવ્યું છે.
ઉત્પાદનો અને સેવાઓની નિકાસ બમણી કરવામાં આવશે
આ નીતિનો હેતુ ટેલિકોમ ઉત્પાદનો અને સેવાઓની નિકાસ બમણી કરવાનો છે. આ સાથે, ટેલિકોમ સ્ટાર્ટઅપ્સની સંખ્યા અને ઉભરતી ટેલિકોમ ટેકનોલોજી માટે સંશોધન અને વિકાસ પર ખર્ચ બમણી કરવાનો પણ લક્ષ્યાંક છે. એક મહત્વપૂર્ણ લક્ષ્ય 6G સાથે પણ સંબંધિત છે. વર્ષ 2030 સુધીમાં 6G સંબંધિત બૌદ્ધિક સંપદા અધિકારોમાં 10% વૈશ્વિક હિસ્સાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આ માટે, એક નવીનતા કેન્દ્રિત નોન-પ્રોફીટ કંપનીની રચના કરવામાં આવશે.
IIT2 અને 30 હાઇ-ટેક લેબ્સ સ્થાપિત કરવામાં આવશે
રાષ્ટ્રીય ટેલિકોમ નીતિ 2025 હેઠળ, સરકાર એક સોવરિન પેટન્ટ ફંડ સ્થાપિત કરશે. તેનો હેતુ વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી ટેલિકોમ ટેકનોલોજી માટે એક પ્રમાણભૂત આવશ્યક પેટન્ટ પૂલ બનાવવાનો છે. ડ્રાફ્ટ પોલિસીના ધ્યેયોમાં ટોચની શૈક્ષણિક સંસ્થાઓમાં 30 અદ્યતન સંશોધન પ્રયોગશાળાઓ સ્થાપવા, ઉદ્યોગ માટે તૈયાર પ્રતિભા વિકસાવવા અને અત્યાધુનિક સંશોધનને પ્રોત્સાહન આપવા માટે ભારતીય ટેલિકોમ્યુનિકેશન ટેકનોલોજી સંસ્થાઓ (IIT2)ની સ્થાપનાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ આ ગ્રુપની કંપનીની આવી રહી છે સૌથી મોટી IPO, બજારમાં ધમામલ મચાવવા તૈયાર












