

અમદાવાદ, 14 એપ્રિલ: સામાજિક સમરસતા મંચ, ગુજરાત દ્વારા આજ રોજ સારંગપુર, અમદાવાદ ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જન્મ જયંતી નિમિત્તે સામાજિક સમરસતા મંચ દ્વાર સારંગપુર ખાતે નિ:શુલ્ક છાસ વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ સમરસતા પ્રદર્શન અને સાહિત્ય સ્ટોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડો. અમીબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ‘ડો. બાબાસાહેબનું જીવન સૌને માટે પ્રેરણાદાયી છે. તેમણે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વનો વિચાર આપ્યો છે. બંધુત્વભાવ દ્વારા સમાનતા અને સ્વતંત્રતાને જોડવામાં આવે તો તે શાશ્ચત રહે છે અને તે જ સમરસતા છે.’
વધુમાં તેમણે કહ્યું કે, ‘કોઈપણ સમાજ કેવો છે તે જોવા માટે તેમાં સ્ત્રીઓનું શું સ્થાન છે તેના આધારે નક્કી થાય છે. ડો. બાબાસાહેબે સ્ત્રીઓને તેમના અધિકારો અપાવ્યા. અમે ગાર્ગી સેન્ટર દ્વારા સ્ત્રીઓના વિકાસ અને માર્ગદર્શન માટે કામ કરીએ છીએ. સમાજમાં સમરસતાના કાર્યને પ્રોત્સાહન આપવા સમરસતા માટે ઉત્તમ કાર્ય કરનાર વ્યક્તિ કે સંસ્થાને અમે એવોર્ડ આપી સન્માનિત કરવાના છીએ.’
આ પ્રસંગે મહેશભાઈ પરીખે જણાવ્યું હતું કે, ‘હું છેલ્લા 35 વર્ષથી સામાજિક સમરસતાના કાર્યનો સાક્ષી છું, જ્યારે વિચારક દત્તોપંતજી ઠેંગડીએ ગુજરાતમાં સમરસતા કાર્યનો પાયો નાખ્યો, તેમના જીવનમાં સમરસતા પ્રત્યે સાહજિક લગાવ હતો અને તેમણે ડો. બાબાસાહેબ સાથે કામ કર્યું હતું.
આ પ્રસંગે પ્રાંત સંયોજક ડો. હેમાંગભાઈ પુરોહિત, સહસંયોજક યોગેશભાઈ પારેખ, મંત્રી ડો. વિજયભાઈ ઝાલા, નટુભાઈ વાઘેલા, મધુકાન્ત પ્રજાપતિ સહિત અનેક ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન દિનેશભાઈ વાળાએ કર્યું હતું. આજના દિવસે છાસ કેન્દ્ર દ્વારા 15000 લોકોને છાસવિતરણ કર્યું હતું. પ્રાંત પ્રચારક ચિંતનભાઈ ઉપાધ્યાય, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ કિશોરભાઈ મકવાણા સહિત અનેક અગ્રણીઓ મુલાકાત લીધી હતી.