નવી દિલ્હી, 6 સપ્ટેમ્બર : કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ ડૉ.સંદીપ ઘોષને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે સંદીપ ઘોષના કાર્યકાળ દરમિયાન નાણાકીય ગેરરીતિઓની સીબીઆઈ તપાસ માટે હાઈકોર્ટના આદેશમાં દખલ કરવાનો ઈન્કાર કરી દીધો છે. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે સીબીઆઈને તપાસની મંજૂરી પણ આપી દીધી છે. હાઈકોર્ટના આ આદેશ સામે સંદીપ ઘોષે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો અને તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કલકત્તા હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો.
હાઈકોર્ટે શું આદેશ આપ્યો હતો?
ગત 24 ઓગસ્ટે કોલકાતા હાઈકોર્ટે નાણાકીય ગેરરીતિનો કેસ SIT પાસેથી CBIને સોંપવાનો આદેશ આપ્યો હતો. આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ભૂતપૂર્વ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. અખ્તર અલીએ સંદીપ ઘોષ વિરુદ્ધ સંસ્થામાં અનેક કેસોમાં નાણાકીય અનિયમિતતાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં હોસ્પિટલમાં મૃતદેહોની દાણચોરી, બાયો મેડિકલ વેસ્ટમાં ભ્રષ્ટાચાર, બાંધકામના ટેન્ડરોમાં ભત્રીજાવાદ વગેરે જેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. તેની તપાસ અગાઉ કોલકાતા પોલીસને સોંપવામાં આવી હતી. 19 ઓગસ્ટે પોલીસે સંદીપ ઘોષ વિરુદ્ધ IPCની કલમ 120B, 420 અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ની કલમ 7 હેઠળ કેસ નોંધ્યો હતો.
ડો.ઘોષની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી
ઉલ્લેખનીય છે કે RG કર મેડિકલ કોલેજમાં 8-9 ઓગસ્ટની રાત્રે એક ટ્રેઇની ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. ત્યારથી આ મામલો સતત વેગ પકડી રહ્યો છે. આ બાબતને લઈને દેશભરમાં વિરોધ થયો હતો. ડૉ.ઘોષની ભૂમિકા પહેલા દિવસથી જ શંકાના દાયરામાં રહી હતી અને તેના પર કેસને દબાવવાનો આરોપ પણ લાગ્યો હતો. ઘણા દિવસોની લાંબી પૂછપરછ બાદ CBIએ 2 સપ્ટેમ્બરે તેમની ધરપકડ કરી હતી. તેમને 10 સપ્ટેમ્બર સુધી CBI કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.