સુરત રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનના દરવાજા લોક, 1 કલાક સુધી મુસાફરો અટવાયા
સુરત, 29 એપ્રિલ 2024, દેશમાં વંદેભારત ટ્રેન હવે લોકોની પસંદગી બની છે. ત્યારે અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેનના દરવાજા સુરત રેલવે સ્ટેશન પર ખૂલ્યા જ ન હતા. આ કારણે ટ્રેન સુરત રેલ્વે સ્ટેશન પર છેલ્લા 1 કલાકથી અટવાઈ હતી. આખરે મેન્યુઅલી દરવાજા ખોલ્યા બાદ આગળ જવા રવાના કરાઈ હતી. ટ્રેનમાં લાઈટ, એસી બંધ કરવા છતાં પણ દરવાજા ખૂલ્યા નહોતા. મેન્યુઅલી દરવાજા ખોલવા માટે રેલવે સ્ટાફ મજબૂર બન્યો હતો. ટ્રેનના સી-14 કોચનો દરવાજો મેન્યુઅલી ખોલવામાં આવ્યો હતો. વંદે ભારત ટ્રેનમાં સુરત રેલવે સ્ટેશન પર ઉતરનારા તમામ મુસાફરો સી-14 કોચના દરવાજામાંથી બહાર નીકળ્યા હતા.
સી 14 કોચનો દરવાજો મેન્યુઅલી ખોલવામાં આવ્યો હતો
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદથી મુંબઈ જવા નીકળેલી વંદેભારત ટ્રેન આજે સવારે 8.20 કલાકે સુરત રેલવે સ્ટેશન પર આવી પહોંચી હતી. પરંતુ ટેક્નિકલ કારણોસર ટ્રેનના દરવાજા ખૂલ્યા ન હતા. આ કારણે ટ્રેનના મુસાફરો અટવાયા હતા જેના કારણે રેલવે તંત્ર દોડતું થયું હતું. મેન્યુઅલી ટ્રેનના દરવાજા ખોલવાનો પ્રયાસ કરાયો હતો. ટ્રેનમાં લાઈટ, એસી બંધ કરવા છતાં પણ દરવાજા નહીં ખૂલતા ટ્રેનના સી 14 કોચનો દરવાજો મેન્યુઅલી ખોલવામાં આવ્યો હતો.
ટ્રેનના ટેક્નિકલ કારણોસર દરવાજા ખૂલ્યા નહોતા
ટ્રેનમાં સુરત રેલ્વે સ્ટેશન પર ઊતરનારા તમામ મુસાફરોને સી 14 કોચના દરવાજામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જેના બાદ ટ્રેનને આગળ મુંબઈ જવા રવાના કરાઈ હતી. ટ્રેનના ટેક્નિકલ કારણોસર દરવાજા ખૂલ્યા નહોતા. થોડીવાર માટે તો કોચમાં બેઠેલા મુસાફરો કંઈ સમજી શક્યા નહોતા. ત્યારબાદ રેલવે સ્ટાફ વંદે ભારત ટ્રેન પાસે પહોંચી ગયો હતો અને રેલવે વિભાગના એન્જિનિયર્સની ટીમ તાત્કાલિક દોડી આવી હતી અને તેમના દ્વારા ભારે જહેમત ઉઠાવ્યા બાદ ટ્રેનના દરવાજા મેન્યુઅલી ખોલવામાં સફળતા મળી હતી.
આ પણ વાંચોઃકચ્છની 5 હજાર વર્ષ જૂની અજરખ હસ્તકલાને મળ્યો જીઆઈ ટેગ