ધૂળ ખાતી કારમાં રમતી વખતે દરવાજા લૉક થયા, ગૂંગળામણથી બે માસૂમોએ જીવ ગુમાવ્યા
મુંબઈ (મહારાષ્ટ્ર), 25 એપ્રિલ: મુંબઈના એન્ટોપ હિલમાં એક કારમાંથી બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટના બાદ વિસ્તારમાં અરાજકતાનો માહોલ સર્જાયો છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ બંને બાળકો ભાઈ-બહેન હતા અને રમતા-રમતા એક બંધ કારમાં બેસીને દરવજો બંધ કરી દીધો હતો. જો કે, ત્યારબાદ ગૂગળામણના કારણે બંનેના મૃત્યુ થયા. મૃતક છોકરાનું નામ સાજીદ અને છોકરીનું નામ મુસ્કાન છે. એન્ટોપ હિલ પોલીસે કેસ દાખલ કરીને મામલાની તપાસ કરી રહી છે.
બંને બાળકોની ભાળ ન મળતા પરિવારજનો ચિંતિત
પોલીસના જણાવ્યા અનુસાર એકની ઉંમર 5 વર્ષ અને બીજાની 7 વર્ષની હતી. બપોરના બે વાગ્યાના અરસામાં બંને ઘરની બહાર રમતા હતા પરંતુ લાંબા સમય સુધી ઘરે પરત ન ફરતાં પરિવાર ચિંતાતુર બન્યો હતો. ત્યારબાદ પરિવારના સભ્યોએ બાળકોની શોધખોળ શરૂ કરી હતી. જો કે, બાળકો ન મળતાં તેઓએ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
લાવારિસ કારમાંથી બંને બાળકોના મૃતદેહ મળ્યા
ફરિયાદ બાદ પોલીસે સર્ચ ઑપરેશન શરૂ કર્યું પરંતુ વિસ્તારના સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા બાદ પણ ક્યાંય બાળકોની હિલચાલ જોવા મળી ન હતી. આ પછી પોલીસે ફરીથી ઘરની આસપાસ તપાસ કરી અને તેમની નજર એક જૂની કાર પર પડી, જે ધૂળમાં ઢંકાયેલી હતી. આ કાર લાંબા સમય સુધી ત્યાં પાર્ક હતી. પોલીસકર્મીએ મોબાઈલની ટોર્ચથી અંદર જોયું તો બંને બાળકો હજુ અંદર જ હતા. બંનેને તાત્કાલિક બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ એ પહેલા જ બંનેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.
આ પણ વાંચો: કલાકો સુધી મહિલાનો મૃતદેહ રઝળતી હાલતમાં પડી રહ્યો, અનેક ટ્રેન તેના ઉપરથી પસાર થઈ