એરપોર્ટ પર લગેજ માટે રાહ નહીં જોવી પડે, જાણો મંત્રાલયે શું આપ્યો આદેશ?
- એરપોર્ટ પર લગેજ માટે વધુ રાહ જોવી પડશે નહીં
- ફ્લાઇટ લેન્ડિંગની થોડીક મિનિટોમાં જ સામાન મળી જશે
નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી: હવાઈ યાત્રા કરતા મુસાફરો માટે સારા સમાચાર બહાર આવ્યા છે. હવે મુસાફરોને તેમનો લગેજ મેળવવા માટે વધુ રાહ જોવી પડશે નહીં. બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS)એ સાત એરલાઈન્સને 30 મિનિટની અંદર મુસાફરોની બેગની ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપ્યો છે. BCASએ એરલાઈન્સને 26 ફેબ્રુઆરી સુધી 10 દિવસમાં જરૂરી પગલાં અમલમાં મૂકવાનો આદેશ કર્યો છે. આ પછી એરલાઇન્સ કંપનીઓએ તેમની સેવાઓમાં સુધારો કર્યો છે. હવે આ સૂચના બાદ હવાઈ યાત્રા કરતા મુસાફરોને મોટી સુવિધા મળશે અને તેમને એરપોર્ટ પર પોતાનો લગેજ મેળવવા માટે વધુ રાહ જોવી પડશે નહીં.
એર ઈન્ડિયા, ઈન્ડિગોને પણ સૂચનાઓ મળી
અધિકારીઓના જણાવ્યા અનુસાર, શુક્રવારે BCASએ એર ઈન્ડિયા, ઈન્ડિગો, અકાસા, સ્પાઈસજેટ, વિસ્તારા, એર ઈન્ડિયા એક્સપ્રેસ કનેક્ટ અને એર ઈન્ડિયા એક્સપ્રેસ સહિત સાત એરલાઈન્સને પત્ર લખ્યો હતો. જેમાં BCAS દ્વારા એરલાઇન્સને 30 મિનિટની અંદર મુસાફરોને તેમનો સામાન પહોંચાડવામાં આવે તેની ખાતરી કરવા માટે કહેવામાં આવ્યું હતું. BCASએ જાન્યુઆરીમાં છ મુખ્ય એરપોર્ટના બેલ્ટ પર સામાનના આગમનના સમય પર દેખરેખ રાખવાની સતત કવાયત શરૂ કરી હતી.
સાપ્તાહિક ધોરણે દેખરેખ રાખવામાં આવી રહી છે
અધિકારીઓનું કહેવું છે કે, સમીક્ષા કવાયતની શરૂઆતથી તમામ એરલાઈન્સની કામગીરી પર સાપ્તાહિક ધોરણે નજર રાખવામાં આવી રહી છે અને તેમાં સુધારો જોવા મળ્યો છે, પરંતુ તે આદેશને અનુરૂપ નથી. ફ્લાઇટનું એન્જિન બંધ થયાના 10 મિનિટની અંદર પહેલું બેગ(મુસાફરોનો સમાન) એરપોર્ટની બેલ્ટ સુધી પહોંચી જવું જોઈએ અને છેલ્લી બેગ 30 મિનિટની અંદર પહોંચવી જોઈએ. અધિકારીએ કહ્યું કે આ મોનિટરિંગ હાલમાં છ મોટા એરપોર્ટ પર કરવામાં આવી રહ્યું છે. જો કે, BCASએ એરલાઈન્સને નિર્દેશ આપ્યો છે કે તેઓ જ્યાં ઉડાન ભરે છે તે તમામ એરપોર્ટ પર ફરજિયાત સ્તર હાંસલ કરવામાં આવે.
આ પણ વાંચો: રશ્મિકા મંદાનાની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, મૃત્યુના મુખમાંથી બહાર આવી