ભૂલથી પણ ટ્રેનમાં આ કામ ન કરતા, નહીંતર થઈ શકે છે જેલ
- ઠંડીથી બચવા માટે બે યુવકોએ ટ્રેનના જનરલ ડબ્બામાં જ તાપણું કર્યું, ડબ્બામાંથી ધુમાડો નીકળતાં તરત જ ટ્રેન રોકી દેવામાં આવી અને યુવાનો સામે કાર્યવાહી કરવામાં આવી.
અલીગઢ, 05 જાન્યુઆરી: રેલવેમાં મુસાફરી દરમિયાન લોકો જાત જાતના પ્રયોગ કરતા હોય છે. પરંતુ રેલવેમાં મુસાફરી કરવાના અનેક નિયમો છે. જેના વિરોધ જઈને જો કોઈ મુસાફર મુસાફરી કરે છે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે ઉત્તર ભારતમાં આજકાલ ભારે ઠંડી પડી રહી છે. આ તીવ્ર ઠંડીથી દરેક વ્યક્તિ પરેશાન છે. લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે, ઠંડીની સાથે ધુમ્મસ પણ ત્રાસ આપી રહ્યું છે. આ ધુમ્મસના કારણે ઘણી ટ્રેનો મોડી ચાલી રહી છે. ઘણી ટ્રેનોને રદ પણ કરવામાં આવી રહી છે. આવા સમયે આસામના સિલચરથી નવી દિલ્હી આવી રહેલી ટ્રેનમાં બે યુવકોએ ઠંડીથી બચવા ટ્રેનના ડબ્બામાં જ તાપણું કર્યું હતું.
ડબ્બામાંથી ધુમાડો નીકળતાં ખળભળાટ મચી ગયો
આ દરમિયાન પૂર્વોત્તર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ (14037) આસામના સિલચરથી નવી દિલ્હી જઈ રહી હતી. આ ટ્રેન ઘણી વખત ખીચોખીચ ભરેલી હોય છે. આ ટ્રેન અલીગઢ પહોંચવાની હતી ત્યારે અધિકારીઓને માહિતી મળી કે આ ટ્રેનના જનરલ ડબ્બામાંથી ધુમાડો નીકળી રહ્યો છે. આ માહિતી મળતા જ ખળભળાટ મચી ગયો હતો અને ટ્રેનને તરત જ રોકી દેવામાં આવી હતી. ત્યાર બાદ ચેક ડબ્બામાં ચેક કરતાં ખબર પડી કે બે યુવકો તાપણું કરી રહ્યા છે. ત્યારે ચેક કરવા આવેલ અધિકારીઓ પણ આ જોઈ સ્તબ્ધ થઈ ગયા.
ડબ્બામાં જ યુવકો તાપણું કરી રહ્યા હતા
પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે આ ડબ્બામાં બેઠેલા બે યુવકો ઠંડીથી બચવા તાપણું કરી રહ્યા હતા, જેના કારણે ડબ્બામાં ધુમાડો-ધુમાડો થઈ ગયો હતો. આ ઘટના અંગે આરપીએફના એક અધિકારીએ જણાવ્યું કે તેમને ટ્રેનમાંથી ધુમાડો નીકળવાની માહિતી મળી હતી. આ પછી ટ્રેનને ચમરૌલા રેલવે સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી. જે બાદ ખબર પડી કે ત્યાં બે યુવકો ઠંડીથી બચવા તાપણું કરી રહ્યા હતા. આ પછી તેની સામે કેસ નોંધવામાં આવ્યો અને તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે ડબ્બામાં બેઠેલા અન્ય 14 લોકોની પણ અટકાયત કરવામાં આવી હતી. જો કે આમાં તેમની કોઈ સંડોવણી નહોતી, ત્યારબાદ તેમને છોડી દેવામાં આવ્યા હતા.
ટ્રેનમાં મુસાફરી દરમિયાન આ વસ્તુઓ સાથે રાખવાથી મુશ્કેલીમાં મુકાઈ જશો
ટ્રેનમાં મુસાફરી દરમિયાન તમે સ્ટોપ, ગેસ સિલિન્ડર, કેમિકલ, ફટાકડા, એસિડ જેવી કોઈપણ પ્રકારની જ્વલનશીલ વસ્તુ સાથે લઈ જઈ શકતા નથી. આ સિવાય આવી વસ્તુઓ જેના તૂટવા કે લીક થવાથી સામાન કે મુસાફરોને નુકસાન થઈ શકે છે. તે વસ્તુઓ પણ ટ્રેનમાં સાથે લઈ જઈ શકાતી નથી. જો તમે રેલવેનો આ નિયમ તોડો છો તો તમારી સામે રેલવે એકટ 164 હેઠળ કાર્યવાહી થઈ શકે છે.
આ પણ વાંચો: સોમાલિયા નજીક 15 ભારતીય ક્રૂ મેમ્બર્સ સાથેનું જહાજ હાઇજેક, નૌકાદળની ચાંપતી નજર