‘લગ્નમાં ગિફ્ટ ના લાવતા પણ પીએમ મોદીને વોટ જરુર આપજો’, વરરાજાના પિતાએ કરી અનોખી માંગ
- એક વ્યક્તિએ પોતાના પુત્રના લગ્નમાં સગા-વ્હાલા, મહેમાનો જોડે અનોખી માંગ કરી. તેમણે કહ્યું કે, ‘તમે લોકો મારા પુત્રના લગ્નમાં ભેટ ના લાવતા પરંતુ પીએમ મોદીને વોટ જરુર આપજો.’
હૈદરાબાદ, 25 માર્ચ: આગામી લોકસભા ચૂંટણી માટે રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. વિવિધ પક્ષોના સમર્થકો અને નેતાઓ પણ આમાં સહયોગ આપી રહ્યા છે. ત્યારે હૈદરાબાદથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક મોટો પ્રશંસક આગળ આવ્યો છે. સાંગારેડ્ડી જિલ્લામાં રહેતા આ વ્યક્તિના પુત્રના લગ્ન યોજાવાના છે. ત્યારે તેમણે તેમના સગા-વ્હાલા અને મહેમાનો જોડે એક અનોખી માંગ કરી છે. તેમણે કહ્યું કે, ‘તમે લોકો મારા પુત્રના લગ્નમાં ભેટ ના લાવતા પરંતુ પીએમ મોદીને વોટ જરુર આપજો.’ આ વ્યક્તિ દ્વારા લગ્ન માટે જે ઇન્વિટેશન કાર્ડ પ્રિન્ટ કરાવ્યું છે તેના પર પીએમ મોદીની તસવીર છપાવી છે. સાથે એવું પણ લખવામાં આવ્યું છે કે ‘નરેન્દ્ર મોદીને તમારો એક વોટ અમારા માટે શ્રેષ્ઠ ભેટ હશે.’
આમંત્રણ કાર્ડને કારણે લગ્ન ચર્ચામાં આવ્યા
આ લગ્ન 4 એપ્રિલના રોજ થવાના છે. નંદિકાંતિ નરસિમ્લુ અને તેમની પત્ની નંદિકાંતિ નિર્મલાનો એક જ પુત્ર છે. તેમના પુત્રનું નામ સાઈ કુમાર છે અને તે જે છોકરી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે તેનું નામ મહિમા રાની છે. આ લગ્ન સમારોહ તેમના લગ્નને લઈને પ્રકાશિત આમંત્રણ કાર્ડને કારણે ચર્ચામાં આવ્યો છે. આખા શહેરમાં લોકો આ વિશે વાત કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે નિર્સામલુ લાકડાની વસ્તુઓનો સપ્લાયર છે જેનો ઉપયોગ ઘર બનાવવા માટે થાય છે. આ પહેલા તેમની બે દીકરીઓના લગ્ન થઈ ગયા છે. પરંતુ, તે દરમિયાન તેમણે આવી કોઈ અપીલ કરી ન હતી.
વરરાજાના પિતાએ કહ્યું, ‘ઘરના લોકોને આઈડિયા પસંદ આવ્યો’
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, વરરાજાના પિતાએ કહ્યું કે તેમના પરિવારને આ આઈડિયા ખૂબ જ પસંદ આવ્યો. ઘરના બધાએ કહ્યું કે આવું જ કરવું જોઈએ. તેમણે કહ્યું કે મેં આમંત્રણ કાર્ડનું વિતરણ શરૂ કર્યું છે. જ્યારે લોકો આ જુએ છે, ત્યારે તેઓ થોડીવાર માટે આશ્ચર્યચકિત થઈ જાય છે. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર પણ આની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ અંગે ઈન્ટરનેટ યુઝર્સે વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. ઘણા લોકોએ તેને ખૂબ જ અનોખો વિચાર ગણાવ્યો છે.
આ પણ વાંચો: જેલમાં શીખ્યો પ્રિન્ટિંગનું કામ, બહાર આવી નકલી નોટો છાપવાનું શરૂ કર્યું, પોલીસે કરી ધરપકડ