સોનાના વધેલા ભાવ છતા ભગવાનને ગોલ્ડના કસ્ટમાઇઝ્ડ આભૂષણોનું દાન
- પાંચ હજારથી લઈ લાખોની કિંમતનાં આભૂષણોના ઓર્ડર અપાયા
- શિવજીને શ્રાવણમાં ચઢી રહ્યા છે ચાંદીના બીલીપત્ર
- શૃંગાર માટેના દાગીનાનું સ્થાન ભગવાનના આભૂષણોએ લીધુ
અમદાવાદઃ પવિત્ર અધિક માસ બાદ હવે શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ભક્તો ભગવાન માટે સોના-ચાંદી અને હીરા-મોતીનાં આભૂષણો ભક્તિભાવ સાથે બનાવડાવી રહ્યા છે. એક સમયે શૃંગાર માટે બનતાં ઘરેણાંનું સ્થાન હવે ભક્તિભાવે લીધું છે. હવે ભગવાનનાં માત્ર આભૂષણો જ નહિ, શિવજીને પ્રિય એવાં ચાંદીનાં બીલીપત્ર અને ચાંદીના નાગદેવની પણ બોલબાલા છે. ભક્તો હવે કુદરતી બીલીપત્રના સ્થાને ચાંદીનાં બીલીપત્ર ચઢાવતા થયા છે. મંદિરો માટે ભક્તો લાખોની કિંમતનાં આભૂષણો ભાવથી બનાવડાવીને અર્પણ કરે છે. સોના કે ચાંદીનું દાન હવે પ્રભુનાં ઘરેણાં-આભૂષણો સુધી પહોંચ્યું છે. એક જમાનામાં ભગવાન માટે બનતાં માત્ર ચાંદી કે ઇમિટેશનનાં આભૂષણો બનતા હતા પણ હવે તેનું સ્થાન હીરા-મોતી, સોના-ચાંદીએ લીધું છે. રૂ. પાંચ હજારથી લઇને લાખોની કિંમતનાં આભૂષણો માટે ભક્તો ઓર્ડર આપીને કસ્ટમાઇઝ્ડ કરાવે છે.
કયાં કયાં પ્રકારનાં આભૂષણો બને છે?
સોનામાંથી નૂપુર, કડાં, કંદોરો, મુગટ, કુંડળ, બાજુબંધ, હાર, નખાવલિ, નેત્ર, તોડા, ઝાંઝર, છડી, બંસી, પગની મોજડી, સિંહાસન, મંદિરનાં દ્વાર, શિખર વગેરે અહીં બને છે તો ચાંદીમાંથી કમળ, લક્ષ્મીજી, ગણપતિની મૂર્તિ, સિક્કા, ભગવાનને જેમાં ભોજનનો થાળ ધરાવવામાં આવે તે ચાંદીના વાડકા, થાળી, ગ્લાસ, ચમચી વગેરે બનાવાય છે તેમજ બસરાની છીપમાંથી ઠાકોરજીના શૃંગાર, હીરા-માણેક, પન્નામાંથી વસ્ત્રો બની રહ્યાં છે.
લોકલ માર્કેટમાં પણ માગ બમણી થઈ
ભગવાનનાં આભૂષણોના ઓર્ડર દેશ-વિદેશનાં અલગ-અલગ મંદિરમાંથી મળી રહ્યા છે. આ ઉપરાંત લોકલ માર્કેટમાં પણ તેની માગ બમણી થઇ છે. માતાજીના પગના નૂપુરથી લઈને આખેઆખા સોના-ચાંદીમાંથી વસ્ત્રો બની રહ્યાં છે. હાલ જે દાગીના બને છે તે ઘરના મંદિરથી લઇ વિશ્વપ્રસિદ્ધ મંદિરમાં બિરાજમાન ભગવાનને ચઢાવવામાં આવે છે.
૧૦થી ૧પ કિલો સોના અને ૩૦ કિલો ચાંદીમાંથી આભૂષણો બને છે
એક અંદાજ અનુસાર એકમાત્ર અમદાવાદ શહેરમાં આશરે દર મહિને ૧૦થી ૧પ કિલો સોનામાંથી અને ૩૦ કિલો ચાંદીમાંથી ભગવાનનાં આભૂષણો અને વસ્ત્રો બનતાં હતાં તેના બદલે હવે આ પ્રમાણ ડબલ થયું છે. અત્યારે બમણા પ્રમાણમાં ભગવાનનાં સોના-ચાંદીનાં આભૂષણો-શૃંગાર અને વસ્ત્રો બની રહ્યાં છે, જેની કિંમત અંદાજિત કરોડ સુધી હોય છે.
આ પણ વાંચોઃ ઈસરોના વડાએ ચાંદ પર રહેલા ખતરાઓ વિશે આપી જાણકારી; ચંદ્રયાન-3ના લેન્ડર-રોવર પણ થઇ શકે છે નષ્ટ