ભારત સહિત 5 દેશોના આ સમૂહ BRICS અંગે ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો


નવી દિલ્હી, 21 ફેબ્રુઆરી : BRICS એટલે કે ભારત સહિત 5 દેશોના આ સમૂહમાં ફૂટ પડવાનો દાવો કરવામાં આવ્યો છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઊંચા ટેરિફ લાદવાની ધમકી મળ્યા બાદ BRICS તૂટી ગયું છે. જો કે, આ દાવા અંગે કોઈપણ બ્રિક્સ રાષ્ટ્રે સત્તાવાર રીતે જવાબ આપ્યો નથી. આ વર્ષે જુલાઈમાં બ્રાઝિલમાં પાંચ દેશોની બેઠક યોજાવાની છે. ટ્રમ્પ લાંબા સમયથી ડોલરને લઈને આ દેશો પર 100 ટકા ટેરિફ લાદવાની ધમકી આપી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રમ્પનું કહેવું છે કે 150 ટકા ટેરિફ લગાવવાની ધમકી આપ્યા બાદ BRICS દેશોએ ‘અલગ’ થવાનો નિર્ણય કર્યો છે. આ જૂથમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. ગયા અઠવાડિયે પણ તેણે ધમકી આપી હતી કે જો BRICS દેશો કોમન કરન્સી લાવે તો તેમને અમેરિકા તરફથી 100 ટકા ટેરિફનો સામનો કરવો પડશે.
આ બેઠક જુલાઈમાં યોજાવાની છે
બ્રાઝિલની સરકારે શનિવારે જણાવ્યું હતું કે આગામી બ્રિક્સ સમિટ રિયો ડી જાનેરોમાં 6 અને 7 જુલાઈએ યોજાશે. બ્રાઝિલની સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, બ્રાઝિલ વિકાસશીલ અર્થતંત્ર ધરાવતા દેશો માટેના કાર્યક્રમની અધ્યક્ષતા કરશે અને વૈશ્વિક શાસન સુધારણાને પ્રોત્સાહન આપવા અને ‘ગ્લોબલ સાઉથ’ના દેશો વચ્ચે સહકાર વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. BRICSની સ્થાપના 2009માં બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન દ્વારા કરવામાં આવી હતી.
ગયા વર્ષે ઈરાન, ઈજીપ્ત, ઈથોપિયા અને સંયુક્ત આરબ અમીરાત પણ તેમાં સામેલ હતા. જેમાં સાઉદી અરેબિયાને પણ સામેલ થવા આમંત્રણ આપવામાં આવ્યું છે. તુર્કી, અઝરબૈજાન અને મલેશિયાએ ઔપચારિક રીતે સભ્યપદ માટે અરજી કરી છે અને અન્ય કેટલાક દેશોએ પણ રસ દાખવ્યો છે. બ્રાઝિલે કહ્યું કે ભાગીદાર દેશોને પણ સમિટમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે અને જો સભ્યો વચ્ચે સહમતિ હોય તો તેઓ અન્ય બેઠકોમાં પણ ભાગ લઈ શકે છે.
આ પણ વાંચો :- ટ્રમ્પના કટ્ટર સમર્થક ભારતીય મૂળના કાશ પટેલ FBI ના નવા ડિરેકટર બન્યા, સેનેટે આપી મંજૂરી