ટ્રમ્પના ઘરે શું શોધી રહી છે FBI ?
અમેરિકાની તપાસ એજન્સી FBIએ મોડી રાત્રે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વૈભવી પામ હાઉસ અને રિસોર્ટ માર-એ-લિગો પર દરોડા પાડ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘણા FBI એજન્ટોએ ટ્રમ્પના ઘરને ઘેરી લીધું છે અને સર્ચ કરવામાં આવી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતે આ દરોડાની પુષ્ટિ કરી છે. બીજી તરફ ટ્રમ્પનું કહેવું છે કે તેઓ મને ચૂંટણી લડવાથી રોકી રહ્યા છે.
ટ્રમ્પે કહ્યું, ‘ફ્લોરિડાના પામ બીચમાં મારું સુંદર ઘર માર-એ-લેગો, એફબીઆઈ દ્વારા કબજે કરવામાં આવ્યું છે. અહીં શોધ ચાલુ છે. FBI એજન્ટો અહીં છે.”
આપણા દેશ માટે આ કાળો સમય-ટ્રમ્પ
આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે આવું ક્યારેય બન્યું નથી. તપાસ એજન્સીઓના સહયોગ છતાં આવી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે ન્યાયતંત્રનો એક હથિયાર તરીકે દુરુપયોગ કરવા જેવું છે. આ કટ્ટર લેફ્ટ ડેમોક્રેટ્સ તરફથી હુમલો છે. તેઓ નથી ઈચ્છતા કે હું 2024ની ચૂંટણી લડું.
ટ્રમ્પના બે નજીકના મિત્રોએ જણાવ્યું હતું કે આ દરોડા કોઈ સૂચના વિના કરવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, FBI એજન્ટોએ માર-એ-લિગો પર દરોડા પાડ્યા ત્યારે ટ્રમ્પ પોતે ત્યાં ન હતા. કહેવાય છે કે તે હાલમાં ન્યુ જર્સીમાં છે. થોડા દિવસો પહેલા ટ્રમ્પ વિરુદ્ધ 6 જાન્યુઆરીની હિંસાની તપાસ કરી રહેલી સંસદીય સમિતિએ કહ્યું હતું કે FBIએ તેમની વિરુદ્ધ તપાસ ઝડપી કરવી જોઈએ.
અહેવાલો અનુસાર, ટ્રમ્પ જ્યારે ગત વર્ષે વ્હાઇટ હાઉસ છોડ્યું ત્યારે તેઓ પોતાની સાથે ઘણા દસ્તાવેજો લઈ ગયા હતા. જોકે, અત્યાર સુધી FBI દ્વારા આ આરોપની પુષ્ટિ કરવામાં આવી નથી. આ દસ્તાવેજો અનેક મોટા બોક્સમાં માર-એ-લિગોમાં લઈ જવામાં આવ્યા હોવાનું કહેવાય છે. ત્યારથી અમેરિકી ગુપ્તચર એજન્સીઓ ટ્રમ્પ અને તેમના નજીકના સહયોગીઓ પર નજર રાખી રહી છે. આ દરોડા પણ આના સંબંધમાં જોવામાં આવી રહ્યા છે.