બંધકોને તાત્કાલિક મુક્ત કરો, નહીંતર બધું ખતમ થઈ જશે:ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને લાસ્ટ વોર્નિંગ આપી દીધી


વોશિંગટન, 06 માર્ચ 2025: અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને અંતિમ ચેતવણી આપી દીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું છે કે, હમાલ ગાઝામાં રાખેલા ઈઝરાયલના તમામ બંધકને મુક્ત કરે. નહીંતર તેમનું કામ ખતમ થઈ જશે. એપીના જણાવ્યા અનુસાર, તેના ઠીક પહેલા વ્હાઈટ હાઉસે જણાવ્યું કે ટ્રમ્પે હમાસ સાથે પ્રત્યક્ષ વાર્તા માટે એક દૂત મોકલ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?
હકીકતમાં જોઈએ તો, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે હમાસની કેદમાંથી મુક્ત કરાયેલા 8 બંધકો સાથે બેઠક યોજી હતી. થોડા સમય પછી, ટ્રમ્પે તેમના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર લખ્યું: “અમે ઇઝરાયલને કામ ખતમ કરવા માટે જરૂરી બધું મોકલી રહ્યા છીએ.” ટ્રમ્પે પછી હમાસ વિશે કહ્યું – “બધા બંધકોને હમણાં જ મુક્ત કરો, પછી નહીં, અને તમે જે લોકોને મારી નાખ્યા છે તેમના મૃતદેહ તાત્કાલિક પરત કરો, નહીં તો તમારા માટે બધું જ સમાપ્ત થઈ જશે. ફક્ત બીમાર અને વિકૃત લોકો જ મૃતદેહો રાખે છે, અને તમે બીમાર અને વિકૃત છો!”
અમેરિકા અને હમાસ વચ્ચે પહેલી સીધી વાતચીત
ડોનાલ્ડ ટ્રમ્પે આ કઠોર ટિપ્પણીઓ એવા સમયે કરી છે જ્યારે યુએસ અધિકારીઓ હમાસ સાથે વાતચીત અને ચર્ચામાં રોકાયેલા છે. આ પહેલા, અમેરિકાની લાંબા સમયથી આતંકવાદી જૂથો સાથે સીધી રીતે સંકળાયેલી ન હોવાની નીતિ હતી. આ વાતચીત કતારની રાજધાની દોહામાં થઈ રહી છે. ૧૯૯૭માં, અમેરિકાએ હમાસને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કર્યું. ત્યારથી અમેરિકા અને હમાસ વચ્ચે આ પહેલી જાણીતી સીધી વાતચીત છે.
ગાઝામાં કેટલા બંધકો છે?
ઇઝરાયલી અધિકારીઓનું કહેવું છે કે ગાઝામાં લગભગ 24 જીવંત બંધકો છે. આમાં એક અમેરિકન નાગરિક, એડેન એલેક્ઝાન્ડરનો સમાવેશ થાય છે. આ સાથે, ઓછામાં ઓછા 35 અન્ય બંધકોના મૃતદેહ હજુ પણ ગાઝામાં છે. અહીં ઉલ્લેખનિય છે કે, ઇઝરાયલ અને હમાસ વચ્ચે 15 મહિનાના યુદ્ધ પછી યુદ્ધવિરામ થયો હતો. આ સમયગાળા દરમિયાન, હમાસે કેટલાક ઇઝરાયલી બંધકોને મુક્ત કર્યા અને ઇઝરાયલે પેલેસ્ટિનિયન કેદીઓને પણ જેલમાંથી મુક્ત કર્યા. જોકે, ઇઝરાયલ-હમાસ યુદ્ધવિરામ હવે અટવાઈ ગયો છે.
આ પણ વાંચો: હોળી સેલિબ્રેશન માટે ફેમસ છે ભારતના આ મંદિર, રંગોત્સવ જોવા જામે છે ભીડ