શિમલા ગ્રામ્યના ધારાસભ્ય વિક્રમાદિત્ય સિંહ સામે ઘરેલું હિંસાની ફરિયાદ
હિમાચલ પ્રદેશના શિમલા ગ્રામીણના ધારાસભ્ય વિક્રમાદિત્ય સિંહની પત્ની સુદર્શના ચંદાવતે ઉદયપુર (રાજસ્થાન) કોર્ટમાં તેના પતિ અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ ઘરેલું હિંસાની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ 17 ઓક્ટોબર 2022ના રોજ કરવામાં આવી છે. 17 નવેમ્બર, 2022 ના રોજ પ્રથમ સુનાવણીમાં, એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઉદયપુરની કોર્ટે પતિ વિક્રમાદિત્ય સિંહ, સાસુ પ્રતિભા સિંહ, ભાભી અપરાજિતા, નંદોઈ અંગદ સિંહ અને ચંદીગઢ નિવાસી અમરીન સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. તમામ આરોપીઓને બુધવારે ઉદયપુર કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે.
શું છે કોર્ટમાં કરેલી ફરિયાદ ?
સુદર્શના ચંદાવતે ઘરેલું હિંસાથી મહિલાઓના રક્ષણની કલમ 20 હેઠળ ઉદયપુર કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. આરોપ છે કે લગ્નના થોડા સમય બાદ ફરિયાદી સાથે ઘરેલુ હિંસા કરવામાં આવી હતી. ફરિયાદીએ કોર્ટને વિનંતી કરી છે કે તે તેના સાસરિયાઓને શારીરિક, માનસિક અને આર્થિક હિંસાથી રોકે અને તેના માટે અલગ રહેવા માટે ઘરની વ્યવસ્થા કરવા આદેશ આપે.
આરોપો મામલે શું કહ્યું ધારાસભ્ય વિક્રમાદિત્ય સિંહે ?
શિમલા ગ્રામીણ ધારાસભ્ય વિક્રમાદિત્ય સિંહે તેમના ઉપર લાગેલા આરોપો અંગે જણાવ્યું કે આ એક સુનિયોજિત કાવતરું હતું. તમામ આરોપો ખોટા છે, જેનો જવાબ કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવશે. રાજકીય નુકસાન પહોંચાડવા માટે ચૂંટણી વખતે જ તેનો પર્દાફાશ થયો છે, જ્યારે તે પારિવારિક બાબત છે, જે હજુ કોર્ટમાં પેન્ડિંગ છે. બિનજામીનપાત્ર વોરંટ જારી કરવાનો ઇનકાર કરતાં તેમણે કહ્યું કે આ એક કાનૂની પ્રક્રિયા છે.