Smart Dog! શ્વાને પોતાની સૂઝબૂઝથી આખા પરિવારનો બચાવ્યો જીવ, જૂઓ વીડિયો
હમ દેખેંગે ન્યૂઝ (અમદાવાદ), 18 ફેબ્રુઆરી: શ્વાન વફાદાર હોય છે તે વાતથી સૌકોઈ વાકેફ છે. હાલ શ્વાનની વફાદારી જ નહીં પરંતુ તેની બહાદુરીના કારણે ઈન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં શ્વાનની સૂઝબૂઝએ આખા પરિવારનો જીવ બચાવ્યો છે. એક ઘરમાં ઇલેક્ટ્રિક સ્કૂટરના એકસ્ટેંશન બોર્ડમાં આગ લાગી ગઈ. ત્યારે શ્વાને આ બોર્ડ ખેંચીને વધુ આગ ફેલાતા રોકાવી હતી. જો આગ વધુ પ્રસરી જતી તો જાનમાલનું નુકસાન થવાની શક્યતા હતી. હાલ આ વીડિયો ઇન્ટરનેટ પર સર્ક્યુલેટ થતાં લોકો શ્વાનની હિંમતની વાહવાહી કરી રહ્યા છે.
જૂઓ આ અભૂતપૂર્વ ઘટનાનો વીડિયો…
View this post on Instagram
શ્વાનની બહાદુરીથી મોટી દુર્ઘટના ટળી
ઘરમાં લાગેલા CCTVની ક્લિપમાં જોઈ શકાય છે કે, એક શ્વાન ઘરના વરંડામાં એક નાનકડા ખાટલા પર બેઠો છે. ત્યારે જ નજીકમાં ઊભેલા ઇલેક્ટ્રિક સ્કૂટર સાથે જોડાયેલા એક્સ્ટેંશન બોર્ડમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી જાય છે. આ આગ ધીરે-ઘીરે ઇલેક્ટ્રિક સ્કૂટરને પકડવા લાગે છે. એ જ સમયે શ્વાન દોડે છે અને સૂઝબૂઝથી એક્સ્ટેંશન બોર્ડને તેના પગ વડે ખેંચી લે છે અને સ્કૂટરથી બોર્ડ દૂર કરે છે. આ પછી તે પાછો ખાટલા પાસે આવીને બેસી જાય છે. એટલામાં આગ પણ ઓલવાઈ જાય છે. જો કે, શ્વાનની સમજણના કારણે ઘરમાં મોટી દુર્ઘટના બનતા ટળી હતી. એટલું જ નહીં, શ્વાન વફાદાર હોવાની સાથે-સાથે બુદ્ધિશાળી પણ હોય છે તે આ ઉદાહરણ પરથી સમજી શકાય છે.
વીડિયો જોયા બાદ યુઝર્સ વાહવાહી કરી રહ્યા છે
વીડિયો વાયરલ થયા બાદ લોકો શ્વાનની બહાદુરી અને બુદ્ધિમત્તાના વખાણ કરતા થાકતા નથી. વાયરલ વીડિયો ક્યાંનો છે તે સ્પષ્ટ નથી. પરંતુ અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લોકો તેને જોઈ ચૂક્યા છે. આ જોઈને એક યુઝરે શ્વાન માટે લખ્યું, તે ઘણા મનુષ્ય કરતા વધુ બુદ્ધિશાળી છે. બીજા કોઈએ લખ્યું – સ્માર્ટ ડૉગ છે, એટલે જ તેને ખબર પડી ગઈ કે આગને રોકવા માટે સર્કિટ દૂર કરવી જરૂરી હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો: હિમાચલમાં બે ટ્રેકરનાં મૃત્યુ, પાલતુ શ્વાન 48 કલાક સુધી મૃતદેહની રક્ષા કરતો રહ્યો