અમદાવાદઃ રેકોર્ડ ટાઈમમાં બન્યો ફોર-લેન રોડ, ટ્રાફિક હળવો થવાની આશા

- સરખેજથી બોપલ-આંબલી, શીલજથી સાયન્સ સિટી રોડ જવાનું આસાન થયું, ફોર લેનનો રસ્તો બની ગયો
અમદાવાદ, 17 મે, 2024: ગત સાતમી મેએ લોકસભા ચૂંટણી માટેનું મતદાન પત્યા બાદ અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ 24 કલાકમાં 3 નવા રોડ બનાવી દીધા છે. જેમાં સરખેજથી બોપલ આંબલી, શીલજથી સાયન્સ સીટી તેમજ નારોલ ટર્નિંગથી જશોદાનગર તરફનો જુનો રોડ પણ નવો બનાવી દેવામાં આવ્યો છે.
શીલજથી સાયન્સ સિટી, સરખેજથી બોપલ આંબલી
શીલજથી એસજી હાઇવે પર આવ્યા વગર જ સીધા સાયન્સ સિટી તરફ નીકળી શકાશે. પહેલા શીલજથી સાયન્સ સિટી આવવા એસજી હાઇવે પર સિમ્સ હોસ્પિટલ થઈને જવું પડતું હતું. તેવી જ રીતે એલજે કોલેજની નજીકમાં જ આ રોડ બની જતાં સીધા બોપલ-આંબલી રોડનું કનેક્શન મળી જશે જ્યારે પહેલા સરખેજથી આવનારે વાયએમસીએ પહોંચી બોપલ-આંબલી રોડ પકડવો પડતો હતો.
24 કલાક બે હોટમિક્સ પ્લાન્ટ ચલાવી રોડ તૈયાર કરાયા
આર્યમાન બંગલોઝથી હેબતપુર ગામ સુધીનો રોડ તૈયાર થઈ જતાં શીલજના રહીશોએ સાયન્સ સિટી જવા માટે 2 કિમી ફરવું પડશે નહીં અને આ કનેક્ટિવિટીથી સીધા જઈ શકશે. એ જ રીતે એરોઝ ફૂડથી ફ્લોરેન્સ એટ-9 બોડકદેવ સુધીનો રોડ બની જતાં સરખેજથી બોપલ કે આંબલી રોડ જતા વાહનચાલકોએ વાયએમસીએ ક્લબ આવી ત્યાંથી બોપલ કે આંબલીનો રોડ પકડવો પડશે નહીં. હવે એલ.જે. કોલેજ પાસેથી આ રોડની કનેક્ટિવિટી મળી જતાં તેમણે પણ લાંબું
ફરવું પડશે નહીં. ઔદ્યોગિક વિસ્તાર ધરાવતા નારોલથી ટર્નિંગ સદાની ધાબા સુધી જશોદાનગર તરફનો હયાત રોડ પણ 24 કલાકમાં નવો તૈયાર કરાયો છે. 24 કલાક બે હોટમિક્સ પ્લાન્ટ ચલાવી રોડ તૈયાર કરાયા છે. 6 અધિકારી, 12 એન્જિનિયર, 80 મશીન ઓપરેટર સહિતનો કાફલો ખડકી એક જ રાતમાં 3 રોડ તૈયાર કરી દેવામાં આવ્યા છે.
રોડ તૂટે તો કોન્ટ્રાક્ટર 5 વર્ષ માટે જવાબદાર
24 કલાકમાં જ રોડ બનાવી દેવામાં આવ્યા છતાં તેની ગુણવત્તા બાબતે અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ રોડ તૂટે તો તે માટે 5 વર્ષ સુધી એજન્સીની જવાબદારી રહેશે. ત્યાં સુધી તેણે રિપેરિંગ કરી આપવું પડશે. 24 કલાકમાં પણ રોડ બનાવવા માટે મ્યુનિ. દ્વારા તમામ ટેસ્ટ સ્થળ પર જ કરવામાં આવ્યા હતા. જેમાં હોટમિક્સનું ઊષ્ણતામાન, માલની ગુણવત્તાના તમામ ટેસ્ટ સ્થળ પર જ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ અમદાવાદઃ શાંતિપુરા મનુભાઈની ચાલીનો રસ્તો બંધ થતાં સ્થાનિક રહીશોમાં નારાજગી