ટ્રેન્ડિંગનેશનલ

ડૉક્ટરોની ઘોર બેદરકારી: થાણેમાં બાળકના પગની જગ્યાએ કરી પ્રાઈવેટ પાર્ટની સર્જરી

  • મહારાષ્ટ્રના થાણેમાં ડૉક્ટરો પર ઘોર બેદરકારીનો લાગ્યો આરોપ
  • 9 વર્ષના બાળકના માતા-પિતાએ ડૉક્ટર પર પગના બદલે પ્રાઈવેટ પાર્ટ પર સર્જરી કરવાનો લગાવ્યો આરોપ

થાણે, 29 જૂન: મહારાષ્ટ્રના થાણે જિલ્લાના શાહપુરમાં 9 વર્ષના છોકરાના માતા-પિતાએ આક્ષેપ કર્યો છે કે સ્થાનિક જિલ્લા હોસ્પિટલના ડૉક્ટરોએ પગની સર્જરી કરવાને બદલે તેમના પુત્રના પ્રાઈવેટ પાર્ટની સર્જરી કરી દીધી છે. તેમણે હોસ્પિટલ અને સ્થાનિક શાહપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ડૉક્ટરોને એક જ દિવસે એક સરખી ઉંમરના ત્રણ દર્દીઓનું એક જ દિવસે ઓપરેશન કરવાનું હતું, જેના કારણે તેમણે આવડી મોટી ભૂલ કરી છે. જો કે, ડૉક્ટરોએ દાવો કર્યો હતો કે પગની સર્જરીની સાથે પ્રાઈવેટ પાર્ટની સર્જરી કરવી પણ જરુરી હતી કેમ કે બાળકને ફીમોસિસ હતો. માતા-પિતાની ફરિયાદ બાદ થાણે સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જને તપાસ શરૂ કરી છે. આ પરિવાર શાહપુરના સરવલી ગામમાં રહે છે. બાળકના પિતા મજૂરી કરીને ઘર ચલાવે છે, જ્યારે માતા ઘરકામ કરે છે.

એક અહેવાલ અનુસાર પરિવારે જણાવ્યું કે ગયા મહિને તેના મિત્રો સાથે રમતી વખતે બાળકના પગમાં ઈજા થઈ હતી. બાળકને સારવાર માટે નિયમિત હોસ્પિટલમાં જવું પડતું હતું કારણ કે તેના ઘામાં ચેપ લાગ્યો હતો. આ પછી, પરિવારે બાળકને 15 જૂને હોસ્પિટલમાં દાખલ કર્યો, જ્યાં પરિવારના જણાવ્યા અનુસાર, સ્વપ્નિલ નામના ડૉક્ટરે તેનું ઓપરેશન કર્યું હતું.

ડૉક્ટરની સામે કાર્યવાહીની કરી માંગ

બાળકની માતાએ કહ્યું, “જ્યારે ડૉક્ટર મારા પુત્રને ઓપરેશન થિયેટરમાંથી બહાર લાવ્યા, ત્યારે મારા પુત્રએ મને કહ્યું કે ડૉક્ટરે તેના પગને બદલે તેના પ્રાઈવેટ પાર્ટનું ઓપરેશન કર્યું છે. જ્યારે મેં ડૉક્ટરને આ વિશે પૂછ્યું, ત્યારે તે ઝડપથી બાળકને ઓપરેશન થિયેટરમાં પાછો લઈ ગયા અને તરત જ તેના પગનું ઓપરેશન કરી દીધું.” પરિવારજનોએ જ્યારે ડૉક્ટરને પૂછ્યું તો તેમણે કહ્યું કે બાળક ઠીક થઈ જશે. ત્યાર પછી પરિવાર બાળકને ત્યાં સુધી ઘરે લઈ જવાની ના પાડી દીધી જ્યાં સુધી હોસ્પિટલ તરફથી લેખિતમાં બાળકને કંઈ નહીં થાય એવું લખાણ ન આપે. ત્યાર બાદ પરિવારે ફરિયાદ નોંધાવી હતી. પરિવારની ફરિયાદ બાદ શહેરના કાર્યકરોએ આ મુદ્દો ઉઠાવ્યો છે અને ઓપરેશનમાં કથિત ગેરરીતિ માટે જવાબદાર તબીબ સામે પગલાં લેવાની માંગ કરી છે.

પરિવારે ફરિયાદ કરી છે તો સિવિલ સર્જનની ટીમ તપાસ કરશે: હોસ્પિટલના અધિકારી

શાહપુરની જિલ્લા આરોગ્ય હોસ્પિટલના અધિકારી ગજેન્દ્ર પવારે જણાવ્યું હતું કે, “પગની ઇજા ઉપરાંત, બાળકને ફીમોસિસ પણ હતો, જેના કારણે અમે તેના પ્રાઇવેટ પાર્ટનું ઓપરેશન કર્યું હતું.” જ્યારે પૂછવામાં આવ્યું કે શું પરિવારે ફરિયાદ કરી છે કે ઓપરેશન પહેલાં તેમને આ વિશે કંઈપણ કહેવામાં આવ્યું ન હતું, તો પવારે કહ્યું કે, “કેટલીકવાર દર્દીના જુદા જુદા સંબંધીઓ હોસ્પિટલમાં રહે છે, તેથી શક્ય છે કે તેઓ સમજી શક્યા ન હોય. પરંતુ પરિવારે ફરિયાદ કરી હોવાથી સિવિલ સર્જનની ટીમ તેની તપાસ કરશે.”

આ પણ વાંચો: મહારાષ્ટ્ર સરકારની મોટી જાહેરાત, હર મહિને મહિલાના ખાતામાં રૂ. 1500 આવશે

Back to top button