અમદાવાદીએ અમેરિકામાં વેચવા કાઢી જમીન; માત્ર ગુજરાતીને જ વેચશે
અમદાવાદ: હાલમાં એક અમેરિકામાં જમીન વેચવાની જાહેરાત વાઇરલ થઇ હતી. જેમાં માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે, “અમેરિકાના કેલિફોર્નિયા 900 વીઘા જમીન વેચવાની છે. એગ્રિકલ્ચર ઝોન ટાઈટલ ક્લિયર જમીન ભારતીય નાગરિક પણ ખરીદી શકશે. ભાવ એક વીઘાના દોઢ લાખ રૂપિયા.”
આ જાહેરાતને એકપણ ભારતીય વ્યક્તિએ ગંભીરતાથી લીધી નહતી. કેમ કે, જમીનનું પ્રમાણ ખુબ જ વધારે હતું અને કિંમત એકદમ ઓછી લખવામાં આવી હતી. લોકો માનવા તૈયાર જ નહતા કે, અમેરિકામાં આટલી ઓછી કિંમતમાં જમીન મળતી હશે. તે ઉપરાંત એવા અનેક પ્રશ્ન લોકોના મનમાં ઉઠી રહ્યાં હતા. આ તમામ પ્રશ્નોના કારણે લોકો આ જાહેરાતને ફ્રોડ માની રહ્યાં હતા.
જોકે, આ અંગે હવે એવો ખુલાસો થયો છે કે, આ જાહેરાત સાચી છે અને ખરેખર અમેરિકામાં એક અમદાવાદી પટેલ ડોક્ટરે પોતાની એક હજાર વીઘાથી પણ વધારે જમીન વેચવા કાઢી છે. આ જમીન ભારતીય વ્યક્તિને વેચીને ભારતીયોને એક અથવા બીજી રીતે મદદ કરવાની વાત કરવામાં આવી છે. આ અંગેનો એક રિપોર્ટ દિવ્ય ભાસ્કેર પોતાના ડિજિટલ પલેટફોર્મ પર પ્રકાશિત કર્યો છે.
આ રિપોર્ટમાં તેમને અમેરિકાની જમીનનો લે-વેચનો ધંધો કરનાર ચેતનસિંહ ચાવડા સાથે વાતચીત કરી છે. આ અંગે તેમને માહિતી આપતા કહ્યું કે, હાલમાં મારી પાસે અમદાવાદના પટેલ ડોક્ટરની અમેરિકાના કેલિફોર્નિયામાં 1024 વીઘા જમીન વેચાવા માટે આવી છે.
આ જમીન અંગે માહિતી આપતા ચેતનસિંહ ચાવડાએ કહ્યું હતુ કે, આ ખેતી લાયક જમીન છ વર્ષ પહેલા ડોક્ટર દ્વારા ખરીદવામાં આવી હતી પરંતુ તેના પર અત્યાર સુધી ખેતી કરવામાં આવી નથી. પરંતુ આ જમીનની બાજુંમાં અન્ય એક ફાર્મ હાઉસમાં બટાકા, ઘઉં, ડૂંગળીની ખેતી કરવામાં આવી રહી છે.
આ અંગે વધુમાં જણાવતા ચેતનસિંહ ચાવડાએ કહ્યું કે, આ જમીનમાં પાણીનો સ્તર પણ ઊંચો છે, તેથી સિંચાઈ માટે પાણીની પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા થઈ શકે છે. અમારી પાર્ટીની જગ્યા જે ખરીદશે તેને અમે બોરવેલ સુધીની વ્યવસ્થા કરી આપીશું.’
માત્ર ગુજરાતીને જ જમીન વેચવામાં આવશે
બ્રોકર ચેતનસિંહ ચાવડાએ કહ્યું કે, અમારો ઉદ્દેશ માત્ર ને માત્ર ગુજરાતીઓને જ જમીન આપવાનો છે, કારણ કે વિદેશમાં પણ આપણા ગુજરાતીઓની મિલકત બને અને કંઈક કરવા માગતા ગુજરાતીઓને આગળ લાવવામાં ધંધાકીય રીતે મદદરૂપ થઈ શકીએ.’
તેમને મસમોટી જમીન વેચવા કાઢવા અંગે ટેકનીકલી માહિતી આપતા કહ્યું કે, ભારતમાં જમીન બાબતોના સોદા વીઘા અને ગૂંઠામાં થતા હોય છે, જ્યારે અમેરિકામાં એકરમાં જમીનનું ખરીદ-વેચાણ થતું હોય છે, એટલે જો આપણે ત્યાંની ગણતરી મુજબ ભારતીયોને જમીન વેચવા જઈએ તો ઘણી ગેરસમજ ઊભી થવાની સંભાવના હોય છે, એટલે અમારો 640 એકર જમીનનો એક સર્વે નંબર છે, એની વીઘા મુજબ ગણતરી કરીને 1025 વીઘા જમીન વેચવાની જાહેરાત આપી હતી.
શું તમે ગુજરાતમાં બેસીને અમેરિકામાં જમીન ખરીદી શકો? શું કહે છે કાયદા
ચેતનસિંહ ચાવડાએ ભારત અને અમેરિકાના કાયદાની સરખામણી કરતાં કહ્યું, ‘આપણે ત્યાં જો કોઈને ખેતીલાયક જમીન ખરીદવી હોય તો ખરીદનાર ખેડૂત હોવો જરૂરી છે, પણ અમેરિકાના કેલિફોર્નિયાની જમીન માટે આ પ્રકારના કોઈ નિયમ નથી કે તમે ખેડૂત હોવા જોઈએ. ત્યાં તો કોઈપણ વ્યક્તિ આ જમીન ખરીદી શકે છે. આ માટે અમેરિકાનું નાગરિકત્વ તો દૂર, પણ ત્યાંના વિઝાની પણ જરૂર પડતી નથી.
અમેરિકાની જમીન ખરીદવી ખૂબ જ સરળ છે. જે રીતે અહીંની જમીનનો દસ્તાવેજ બને છે એ જ રીતે ત્યાંનો દસ્તાવેજ પણ અહીં બેઠાં-બેઠાં ટાઈપ કરી શકાય છે, પરંતુ એટલું છે કે એમાં બન્ને પક્ષના લોકોની સહી ખૂબ જ જરૂરી છે. એ પછી અમેરિકાની રજિસ્ટર ઓફિસે જમીન વેચી રહેલી વ્યક્તિએ હાજર રહેવું પડે. ત્યાં જમીનના બધા રેકોર્ડ્સ હોય છે, એટલે અહીંથી ડોક્યુમેન્ટ જાય, એ પછી અમારા લીગલ એડવાઈઝર્સ વેચાણકર્તાને સાથે રાખીને જમીન નામે કરાવવાની પ્રક્રિયા આગળ વધારતા હોય છે.
એ પ્રોસેસ પૂર્ણ થઈ ગયા પછી નવા જમીનમાલિકના નામના તમામ ડૉક્યુમેન્ટ ભારતના સરનામા પર આવી જાય છે. એટલું જ નહીં, જો કોઈ વ્યક્તિ એ જગ્યાના રેકોર્ડ ઓનલાઈન જુએ તો પણ એમાં જમીનમાલિક તરીકે ભારતનું સરનામું બતાવે છે.’
અમેરિકામાં જમીન ખરીદવા બાબતે એક્સપર્ટનો મત શું છે?
દિવ્ય ભાસ્કરે પોતાના રિપોર્ટમાં અમેરિકાના ઈમિગ્રેશનના કાયદા પર પીએચડી કરનાર અને એડવોકેટ ડૉક્ટર સુધીર શાહના કોટને પણ ટાંક્યો છે. શાહ અનુસાર, ‘અમેરિકામાં જો કોઈને મિલકત ખરીદવી હોય તો ત્યાંના નાગરિક હોવું જરૂરી નથી. દુનિયાની કોઈપણ વ્યક્તિ કાયદેસર રીતે અમેરિકામાં જમીન ખરીદી શકે છે, પરંતુ અમેરિકામાં ખેતી કે બિનખેતીલાયક જમીન ધરાવે છે, તેના આધારે તેને અમેરિકામાં પ્રવેશ આપવો જોઈએ, અમેરિકામાં વિઝા આપવા જોઈએ અને ગ્રીન કાર્ડ આપવું જોઈએ એવી માગણી જમીનમાલિક ન કરી શકે.’
આમ તમે જમીન તો અમેરિકામાં ખરીદી શકો છો પરંતુ ત્યાં જઈને ખેતી કરવા માટે અમેરિકા સરકારને આજીજી કે વિનંતી કરી શકતા નથી. એવું પણ બને કે, તમે જમીન તો ગુજરાતમાં બેઠા-બેઠા ખરીદી લો પરંતુ તમને ત્યા જવા માટે વિઝા ન પણ મળે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં બેઠા-બેઠા અમેરિકામાં જમીન ખરીદી શકાય છે પરંતુ ત્યાં ખેતી કરવા માટે ગુજરાતથી કે ભારતથી મેન પાવર લઈ જવા માટે મુશ્કેલી ઉભી થઇ શકે છે.
ઉલ્લેખનિય છે કે, ભારતથી અમેરિકા જવા માટે ભારતીયો ગેરમાર્ગનો પણ ઉપયોગ કરવા અચકાતા નથી. તેના ચક્કરમાં કેટલાય લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે, તે છતાં ભારતથી અમેરિકામાં જવાનો ક્રેઝ ઓછો થઇ રહ્યો નથી અને ભારતથી અમેરિકા જતાં લોકોમાંથી કેટલા લોકો ખેતીકામમાં જોડાવામાં રસ લેશે તે અંગે કંઇ જ કહી શકાય નહીં.
અમદાવાદના ડોક્ટરે 6 વર્ષ પહેલા જમીન ખરીદી હતી પરંતુ તેમને ખેતી શરૂ કરી નહીં. કેમ? તેનો જવાબ આપણી પાસે નથી. પરંતુ હોઇ શકે કે, મેન પાવરની અછતે ખેતી કામ શરૂ ન થવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોય. કારણ કે જમીન ખેતી લાયક છે અને પાણી પણ ઉંચું છે તો ખેતી શરૂ કરીને કેમ કમાણી શરૂ ના કરી. તે પ્રશ્ન ઉદ્દભવે તે સ્વભાવિક છે. ઠિક છે કે તેઓ હવે નફો લઇને જમીન વેચશે તે બે નંબરની વાત છે.
હવે તમે કહેશો કે રોકાણ કરવા માટે ડોક્ટર સાહેબે જમીન ખરીદી હશે પરંતુ વ્યક્તિ રોકાણ કેમ કરે છે? નફો મેળવવા માટે, તો અમેરિકાના કેલિફોર્નિયામાં બદામ, પિસ્તા, અખરોટ, દ્રાક્ષ, સંતરા, સ્ટ્રોબેરી, જેવા ફળ અને ડ્રાયફ્રૂટ્સ તેમજ અનેક પ્રકારની શાકભાજી અને અનાજની ખેતી થાય છે. આ ઉપરાંત દૂધની બનાવટ માટે પણ કેલિફોર્નિયા જાણીતું છે. તો આવી મોંઘી ચીજ-વસ્તુઓની ખેતી કરોડો રૂપિયાની કમાણી કરી આપી શકે છે.
ખેર, બધી બાબતો ચકાશી લેવી જરૂરી છે કેમ કે, વર્તમાનમાં અનેક રીતની છેતરપિંડી ચાલી રહી છે. જમીન ખરીદવામાં કોઈ છેતરપિડી ના થઇ રહી હોય પરંતુ ખરીદ્યા પછીના પડકારો વિશે પણ જાણવા જરૂરી છે. કેમ કે, આપણે ઘણી વખત ખોટી ગાડી લઈને પણ ભરાઇ જતાં હોઇએ છીએ, તો પછી અમેરિકામાં જમીન ખરીદવા બાબતે તો વધારે સાવચેતી રાખવી જરૂરી છે.
ઉલ્લેખનિય છે કે, અમેરિકાના લોકો કેલિફોર્નિયામાં જમીન ખરીદવામાં રસ ધરાવતા નથી. તેથી ત્યાં જમીનના ભાવ ઓછા છે. તો અહીં તે પ્રશ્ન ઉદ્દભવે છે કે, અમેરિકનો કેમ કેલિફોર્નિયામાં જમીન ખરીદતા નહીં હોય? શું ત્યાં કોઈ વિશિષ્ટ પ્રકારના પડકારો ઉભેલા છે? આમ પણ અમેરિકામાં માણસોની સંખ્યા ખુબ જ ઓછી છે તો સામે જમીન વધારે પ્રમાણમાં છે. તેથી ઓછા ભાવે જમીન મળે તે સમજી શકાય છે પરંતુ કોઈ હાથી મફતમાં આપે તો લઇ ન લેવાય.
આ પણ વાંચો-ચંદ્રયાન-3 મિશન પર કેમ આખી દુનિયાની નજર છે? જાણો સમગ્ર માહિતી