મુકેશ અંબાણીના ડીપફેક વીડિયો દ્વારા ડૉક્ટર સાથે છેતરપિંડી, શેર માર્કેટમાં ગુમાવ્યા સાત લાખ
- સોશિયલ મીડિયામાં ડીપફેક વીડિયોનો વપરાશ વધ્યો
- લોકો ડીપફેક વીડિયો દ્વારા ઠગ કરી રહ્યા છે છેતરપિંડી
મુંબઈ, 22 જૂન: મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની ડીપ ફેક વીડિયો બનાવીને મહિલા ડૉક્ટર સાથે છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક મહિલા ડૉક્ટરને મુકેશ અંબાણીના ડીપફેક વીડિયોની મદદથી ઊંચું વળતર મેળવવા માટે શેરબજારમાં રોકાણ કરવાની લાલચ આપવામાં આવી હતી અને આ છેતરપિંડીમાં ડૉક્ટરે સાત લાખ રૂપિયા ગુમાવ્યા હતા.
શું છે સમગ્ર મામલો?
મુંબઈના અંધેરીમાં રહેતા આયુર્વેદિક મહિલા ડૉક્ટર કેકે એચ પાટીલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો જોયો. આ વીડિયોમાં મુકેશ અંબાણીને ડીપફેક ટેક્નોલોજીની મદદથી બતાવવામાં આવ્યા હતા. વીડિયોમાં, રાજીવ શર્મા ટ્રેડ ગ્રુપ નામની કંપનીની શાખા BCF ઇન્વેસ્ટમેન્ટ એકેડેમીની મદદથી શેરમાં રોકાણ પર ઊંચા વળતરનો દાવો કરવામાં આવ્યો હતો. ભ્રામક વીડિયો જોયા બાદ ડો. પાટીલ પ્રભાવિત થયા અને ઉલ્લેખિત કંપનીનો સંપર્ક કર્યો. જે બાદ એપ્રિલમાં મહિલા ડૉક્ટર પાસેથી 16 અલગ-અલગ બેંક ખાતામાં 7.1 લાખ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા. ડૉક્ટરને બદલામાં 30 લાખ રૂપિયા આપવાની લાલચ આપવામાં આવી હતી, પરંતુ જ્યારે મહિલા ડૉક્ટરે પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને તેની સાથે કરવામાં આવેલી છેતરપિંડીની ખબર પડી. આ પછી તેણીએ પોલીસમાં ફરિયાદ કરી છે.
પોલીસે નોંધી FIR
મુંબઈની ઓશિવારા પોલીસે આ મામલામાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધી છે. મુંબઈ પોલીસનું કહેવું છે કે 15-17 એપ્રિલની વચ્ચે ‘શેર માર્કેટ કૌભાંડ’માં 54 વર્ષીય મહિલા ડૉક્ટરે રૂ. 7 લાખથી વધુ રુપિયા ગુમાવ્યા બાદ IPCની કલમ 419, 420 અને IT એક્ટની કલમ 66(D) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મહિલા ડૉક્ટરનો આરોપ છે કે તેણીએ ઈન્સ્ટાગ્રામ પર ઈન્વેસ્ટમેન્ટ વિશે ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ મુકેશ અંબાણીની ડીપફેક રીલ જોઈ અને તેનાથી પ્રભાવિત થઈ ગઈ. એવો આરોપ છે કે મહિલા ડૉક્ટરને એક લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપમાં જોડવામાં આવી હતી અને નફાની ખાતરી આપવામાં આવી હતી, એક એપ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવ્યું હતું અને વિવિધ ખાતાઓમાં પૈસા જમા કરાવ્યા હતા.
આ પણ વાંચો: ‘ડાર્ક વેબ’ શું છે, જેના પર લીક થયું NEET પરીક્ષાનું પેપર? શિક્ષણ મંત્રીએ કર્યો ઉલ્લેખ