નેશનલબિઝનેસ

શું તમે ઓનલાઈન પેમેન્ટ કરો છો? 1 જુલાઈથી બદલાશે નિયમ, જાણો RBIનો નવો નિયમ

Text To Speech

ઓનલાઈન પેમેન્ટ જેટલું સરળ છે તેટલું જ ખતરનાક પણ છે, કારણ કે વર્તમાન સમયમાં સાયબર ક્રાઈમ ખુબ જ વધી ગયો છે. ત્યારે સાયબર ક્રાઈમની ઘટનાઓને રોકવા માટો આરબીઆઈ વારંવાર કડક લેતી હોય છે. આરબીઆઈએ થોડા દિવસો પહેલા તમામ બેંકો અને પેમેન્ટ એગ્રીગેટર્સને આદેશ આપ્યો હતો કે, ગ્રાહકોએ જ્યારે પણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરશે ત્યારે કાર્ડની વિગતો આપવી પડશે, ત્યારબાદ જ તેઓ ઓનલાઈન ખરીદી અથવા ઓનલાઈન પેમેન્ટ કરી શકશે. આરબીઆઈના નવા આદેશ અનુસાર, હવે કોઈ પેમેન્ટ એગ્રીગેટર, ગેટવે અને વેપારીઓ 1 જુલાઈથી ગ્રાહકોના ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડની વિગતો સ્ટોર કરશે નહીં.

વારંવાર આપવી પડશે કાર્ડની વિગતો
આ નિયમથી પેમેન્ટ એગ્રીગેટર્સ અને વેપારીઓ માટે ઘણી મુશ્કેલી ઊભી થઈ છે કારણ કે, આ નિયમ બહુ જલ્દી અમલમાં આવવાનો છે અને તેની વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર નથી અને 1 જુલાઈ સુધીમાં તૈયાર થવાની બહુ આશા નથી. અત્યાર સુધી પેમેન્ટ એગ્રીગેટર્સ, પેમેન્ટ ગેટવે અને વેપારીઓ તેમના પ્લેટફોર્મ પર ગ્રાહકના કાર્ડની વિગતો સ્ટોર કરતા હતા. જેથી દર વખતે ટ્રાન્ઝેક્શન સમયે ગ્રાહકે તેના કાર્ડની વિગતો દાખલ કરવાની જરૂર હતી નહીં. પરંતુ 1 જુલાઈથી દરેક ખરીદી પર તમને તમારા કાર્ડનો 16 અંકનો નંબર, એક્સપાયરી ડેટ અને કાર્ડ વેરિફિકેશન વેલ્યુ (CVV) આપવા પડશે. આશા છે કે, આ નિયમ લાગુ થયા બાદ છેતરપિંડીમાં અમુક હદ સુધી ઘટાડો થશે. આ અગાઉ આરબીઆઈ આ નિયમને લાગુ કરવાની સમયમર્યાદા બે વખત લંબાવી ચૂકી છે, છેલ્લે તેણે 23 ડિસેમ્બરે આ સમયમર્યાદા 6 મહિના માટે લંબાવી હતી.

એપલ કાર્ડ પેમેન્ટ સ્વીકારશે નહીં

દિગ્ગજ કંપની એપલે થોડા દિવસો પહેલા ભારતીય ગ્રાહકોને કહ્યું હતું કે, તે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ દ્વારા પેમેન્ટ સ્વીકારશે નહીં. જેથી તમે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ વડે એપલના એપ સ્ટોર પરથી એપ્લિકેશન, આઈ ક્લાઉડ કે એપલ સબ્સક્રિપ્શન મેળવી શકશો નહીં તથા કોઈ મીડિયા સામગ્રીની ખરીદી કરી શકશે નહીં. એપલે ગ્રાહકોને પેમેન્ટ માટે નેટબેંકિંગ, UPI અથવા APPLE ID બેલેન્સનો ઉપયોગ કરવાની સલાહ આપી છે.

Back to top button