ભારતે વર્ષ 1983 માં જ્યારે કપિલ દેવની આગેવાની હેઠળની ટીમે વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો ત્યારે ક્રિકેટ ચાહક લતા મંગેશકરને ટીમના ખેલાડીઓને 1 લાખ રૂપિયાનું ઇનામ આપવા માટે ‘કોન્સર્ટ’ કરવાનું હતું. વર્ષ 2011માં ધોનીના નેતૃત્વમાં વર્લ્ડકપ જીતનારી ટીમે પણ તેના પર ખૂબ પૈસા વરસાવ્યા હતા. આ વખતે એટલે કે જો ટીમ 2023માં વર્લ્ડ ચેમ્પિયન બને છે તો તેને ICC તરફથી જ 33 કરોડ રૂપિયાથી વધુની ઈનામી રકમ મળશે. રનર અપ ટીમ પણ ધનવાન બનશે, તેને વિજેતાની અડધી ઈનામી રકમ મળશે. 1983માં, જ્યારે ટીમ ઈન્ડિયાએ કપિલ દેવના નેતૃત્વમાં 1983નો વર્લ્ડ કપ જીત્યો હતો, ત્યારે તેમને દૈનિક ભથ્થા તરીકે પ્રતિ મેચ 50 પાઉન્ડ મળતા હતા.
શું કહ્યું હતું 83ની ટીમના વિકેટકીપર કિરમાણીએ ?
વર્ષ 1983ની ટીમમાં વિકેટકીપર રહેલા સૈયદ કિરમાણીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘અમને દૈનિક ભથ્થા તરીકે દરરોજ 50 પાઉન્ડ મળતા હતા. અમે આ રકમનો ઉપયોગ અમારા લંચ, ડિનર, કપડાં ધોવા માટે કર્યો હતો. અમને સમગ્ર પ્રવાસ માટે બોનસ તરીકે રૂ.15,000 મળ્યા હતા. આ રકમ ટ્રોફી જીત્યા બાદ ભારત પરત ફરવા પર આપવામાં આવી હતી.
2011માં પ્રત્યેક ખેલાડીને મળ્યા હતા 2-2 કરોડ
28 વર્ષ પછી જ્યારે એમએસ ધોનીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ 2011નો ODI વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારબાદ બીસીસીઆઈએ ખેલાડીઓ પર ઈનામો વરસાવ્યા હતા. વર્લ્ડ કપ ટીમમાં સામેલ તમામ ભારતીય ખેલાડીઓને ઈનામ તરીકે 2-2 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિવિધ રાજ્ય સરકારોએ પણ ખેલાડીઓ પર પુરસ્કારોની વર્ષા કરી હતી. ઘણી કંપનીઓએ ખેલાડીઓને વિવિધ એવોર્ડ પણ આપ્યા હતા.
2011માં ટીમને મળ્યા હતા રૂ.25 કરોડ
2011 માં, વર્લ્ડ કપની કુલ ઈનામી રકમ 8 મિલિયન યુએસ ડોલર (66 કરોડ) નક્કી કરવામાં આવી હતી. આઈસીસીએ ટીમ ઈન્ડિયાને લગભગ 25 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપી હતી. જ્યારે ઉપવિજેતા શ્રીલંકાને લગભગ 12.5 કરોડ રૂપિયા મળ્યા છે. બાકીની રકમ લીગ મેચો અને નોકઆઉટ મેચોમાં વિજેતા ટીમોને આપવામાં આવી હતી.
શું છે વર્ષ 2023 વર્લ્ડ કપની ઈનામી રકમ ?
વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમને ICC તરફથી 33.17 કરોડ રૂપિયા (4,000,000 USD)ની ઈનામી રકમ મળશે. જ્યારે રનર્સ અપને આ રકમમાંથી અડધી રકમ મળશે. સેમિફાઇનલમાં હારનાર બંને ટીમોને 6.63 કરોડ રૂપિયા (800,000 USD) સમાન રકમ મળશે. આ સિવાય જો તેઓ ગ્રુપ સ્ટેજમાં મેચ જીતશે તો તેમને 33.17 લાખ રૂપિયા (40,000 USD) મળશે. અંદાજે રૂ. 82.95 કરોડ (10,000,000 USD) ની ઇનામી રકમ ICC દ્વારા વર્લ્ડ કપ 2023માં વહેંચવામાં આવશે.