શું તમે જાણો છો આ બીજ ગ્રામ યોજના વિશે? જો ના તો જાણીલો ઉચ્ચ ગુણવત્તાના બિયારણો પર મળે છે સબસિડી
હવે ચોમાસું સિઝન એક દમ નજીક છે ત્યારે હવે આવતા ખરીફ પાકોનું વાવેતર શરૂ થશે. એ પહેલા ખેડૂતો અનેક કંપનીઓના બીજ ખરીદવાનું ચાલુ કરશે. પરંતુ અત્યારે નકલી બિયારણથી અનેક ખેડૂતોને છેતરવામાં આવે છે. આવામાં ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાના બિયારણો સબસિડી પર મળી રહે તે માટે સરકારે બીજ ગ્રામ યોજના વર્ષ 2014-2015માં શરૂ કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2014 માં આ યોજના શરૂ કરવામાં આવી હતી. જેનો હેતુ ખેડૂતોને સારી ગુણવત્તાના બીજ આપવાનું હતું. આ જ વર્ષે ગુજરાતના 11052 ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધો. પરંતુ ધીરે ધીરે તેની સંખ્યા ઘટતી ગઈ. વર્ષ 2014 થી લઈને અત્યાર સુધી માત્ર 37049 ખેડૂતોએ તેનો લાભ લીધો છે. જો તમે હજી સુધી લાભ નથી લીધો તો કોની રાહ જુઓ છો? આવો જાણીએ બીજ ગ્રામ યોજના વિશે.
બીજ ગ્રામ યોજના શું છે?
આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોને બીજ ઉત્પાદન માટે મદદ આપવામાં આવે છે. આ સાથે પ્રમાણિત બિયારણ પણ ખેડૂતોને વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. યોજના હેઠળ ખેડૂતોના 2-3 જૂથો બનાવવામાં આવ્યા છે. દરેક જૂથમાં લગભગ 50 થી 100 ખેડૂતોનો સમાવેશ થાય છે. આ પછી ખેડૂતોને બિયારણની વાવણીથી લઈને પાકની કાપણી સુધીની કૃષિ કામગીરીની તાલીમ આપવામાં આવે છે. આ યોજના હેઠળ જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં પાકના બિયારણનું વાવેતર કરવામાં આવે છે. આને સંવર્ધક બીજ કહેવામાં આવે છે. સંવર્ધક બીજમાંથી ઉત્પાદિત પાકને પાયાના બીજ કહેવામાં આવે છે. જૂથમાં સમાવિષ્ટ ખેડૂતોને ખેતરના 0.1 હેક્ટર વિસ્તારમાં વાવણી માટે બિયારણ આપવામાં આવે છે. ખેડૂતોના ખેતરોમાં તૈયાર થયેલા પાકમાંથી મેળવેલા બિયારણનો ઉપયોગ આવતા વર્ષે ફરીથી વાવણી માટે કરવામાં આવે છે. તેને પ્રમાણિત બીજ કહેવામાં આવે છે.
બીજ ગ્રામ યોજનાથી થતા લાભો:
1) ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાના બિયારણો ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
2) ખેડૂતોને વાવણીથી લઈને લણણી સુધીની કૃષિ કામગીરીમાં તાલીમ આપવામાં આવે છે.
3) તાલીમ મેળવ્યા બાદ ખેડૂતો જાતે બિયારણનું ઉત્પાદન કરી શકે છે.
4) નાના ખેડૂતોને 50 ટકા સબસિડી પર બિયારણ આપવામાં આવે છે.
5) સામાન્ય ખેડૂતોને 25 ટકા સબસિડી પર બિયારણ આપવામાં આવે છે.
6) ખેડૂતો ઉત્પાદિત બિયારણનું વેચાણ કરીને વધારાની આવક મેળવી શકે છે.
7) ખેડૂત ફાઉન્ડેશન બિયારણ તૈયાર કરી શકે છે અને તેને સીધા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અથવા રાજ્ય બીજ નિગમને વેચી શકે છે.
બીજ ગ્રામ યોજનામાં જોડાવાની પ્રક્રિયા:
આ યોજનામાં જોડાવા માટે ખેડૂતોએ જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે. તે પછી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયા પછી, ખેડૂતો બીજ ગ્રામ યોજનામાં જોડાઈને આ યોજનાનો લાભ લઈ શકે છે.
આ પણ વાંચો : સ્માર્ટ વિલેજ યોજના અંતર્ગત 16 જિલ્લાની 35 ગ્રામ પંચાયતો સ્માર્ટ વિલેજ જાહેર