ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલમનોરંજનવિશેષ

કેરળમાં પહેલીવાર કમળ ખીલવનાર ભાજપના સાંસદ વિશે જાણો છો?

તિરુવનંતપુરમ, 6 જૂનઃ લોકસભા ચૂંટણી 2024નાં પરિણામ દેશના મોટાભાગના લોકોની ધારણા મુજબ નહીં આવવાને કારણે એવા અનેક વિજેતા અથવા હારેલા નેતાઓ વિશેના સમાચાર બે દિવસ સુધી હાઈલાઈટ જ ન થયા. આવું જ એક પરિણામ કેરળનું છે. કેરળમાં સૌપ્રથમ વખત ભાજપે લોકસભા માટે ખાતું ખોલાવ્યું છે.  કેરળથી ભાજપ માટે સારા સમાચાર આવ્યા છે જ્યાં પાર્ટીએ થ્રિસુર લોકસભા બેઠક જીતી લીધી છે. લોકસભા ચૂંટણીમાં કેરળમાં ભાજપનું ખાતું પહેલીવાર ખૂલ્યું છે.

લોકસભા ચૂંટણી 2024નાં પરિણામો જાહેર થઈ ગયા છે. ભાજપને બહુમતી કરતાં ઓછી બેઠકો મળી છે પરંતુ તેની આગેવાની હેઠળના NDA ગઠબંધન પાસે પૂર્ણ બહુમતી છે. ભાજપ માટે આ ચૂંટણી પરિણામમાં કેરળમાંથી પણ સારા સમાચાર સામે આવ્યા છે. કેરળમાં પહેલીવાર ભાજપે લોકસભા સીટ જીતી છે. પાર્ટીના ઉમેદવાર સુરેશ ગોપી રાજ્યની ત્રિશૂર લોકસભા સીટ પરથી 75 હજાર કરતાં વધુ મતથી જીત્યા છે.

આ પણ વાંચોઃ VIDEO: DMK દ્વારા આ કેવી ઉજવણી? ભાજપના નેતાનો ફોટો પહેરાવી બકરીનું કાપ્યું ગળું

કોણ છે સુરેશ ગોપી?
કેરળમાં લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જીત અપાવનાર સુરેશ ગોપી એક મલયાલમ ફિલ્મ અભિનેતા છે જેઓ રાજકારણ તરફ વળ્યા છે. મણિચિત્રથાઝુ, અ નોર્ધન સ્ટોરી ઑફ વેલોર અને ઓરુ સીબીઆઈ ડાયરી કુરિપ્પુ સહિત 250 થી વધુ લોકપ્રિય ફિલ્મોમાં તેમણે કામ કર્યું છે. ગોપીને 1998માં તેમની ફિલ્મ કાલિયાટ્ટમ માટે નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો.

સુરેશ ગોપીનો જન્મ કેરળના અલપ્પુઝા જિલ્લામાં થયો હતો. ફિલ્મોમાં અભિનય માટે પ્રખ્યાત બનેલા ગોપીને રાષ્ટ્રપતિ દ્વારા 29 એપ્રિલ 2016ના રોજ રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. આ પછી સુરેશ ગોપી ઓક્ટોબર 2016માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

2019માં સુરેશ ગોપી થ્રિસુરથી લોકસભા ચૂંટણી હારી ગયા હતા. 2021ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે આ વખતે ગોપી ચૂંટણી જીતી ગયા છે. સુરેશ ગોપીએ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI)ના ઉમેદવાર સુનિલ કુમારને રસપ્રદ હરીફાઈમાં હરાવ્યા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ મુરલીધરન આ બેઠક પરથી ત્રીજા સ્થાને રહ્યા.

સુરેશ ગોપીએ તેમના ચૂંટણી એફિડેવિટમાં 12 કરોડ રૂપિયાથી વધુની જંગમ અને સ્થાવર સંપત્તિ જાહેર કરી છે. ગોપીએ 2 એપ્રિલે સબમિટ કરેલા સોગંદનામામાં નાણાકીય વર્ષ 2023-24માં 4,39,68,960 રૂપિયાની આવક જાહેર કરી છે. આઠ વાહનો અને 1025 ગ્રામ સોનું સહિત તેમની જંગમ સંપત્તિ રૂ. 4 કરોડથી થોડી વધુ છે. એફિડેવિટ મુજબ, અભિનેતાની સ્થાવર સંપત્તિ હાલમાં કુલ રૂ. 8,59,37,943 છે, જેમાં ખેતીની જમીનના બે પ્લોટ, બિન-ખેતી જમીનના સાત પ્લોટ અને સાત રહેણાંક મકાનોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ “ભાજપને મમતાના ગુંડાઓથી બચાવો”, શુભેન્દુએ રાજ્યપાલને પત્ર લખીને વિનંતી કરી

Back to top button