અમદાવાદ, 25 ડિસેમ્બર 2023, ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે. વહેલી સવારથી ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. જેમાં અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આજથી કડકડતી ઠંડીની શરૂઆત થશે. ડિસેમ્બરના અંત એટલે કે વર્ષ 2023ના છેલ્લા અઠવાડિયા અને નવા વર્ષની શરૂઆત હાડ થીજવતી ઠંડીની શરૂઆત થશે. તે ઉપરાંત નવા વર્ષના પહેલા જ અઠવાડિયામાં કમોસમી માવઠું ધડબડાટી બોલાવી શકે છે. રાજ્યના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદની સંભાવના છે.
ગુજરાતના ભાગોમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે જોઈએ તો, હાલમા હાલમાં ગુજરાતમાં ચાલુ વર્ષે જોઈએ તેવી ઠંડી શિયાળામાં અનુભવાઈ નથી પરંતુ વર્ષ 2024ની શરૂઆત જ ગુજરાતમાં માવઠા સાથે થાય તેવી શક્યતા છે. જેમાં પાકિસ્તાનને અડીને આવેલા ગુજરાતના ભાગો તેમજ મહારાષ્ટ્રને અડીને આવેલા ગુજરાતના ભાગોમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે રાજસ્થાનને અડીને આવેલા ગુજરાતના સરહદીય વિસ્તારમાં કરા સાથે વરસાદ પડી શકે છે. અરબ સાગરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો તેમજ પંચમહાલના ભાગોમાં હવામાનમાં પલટો આવતાં કમોસમી વરસાદ થઈ શકે છે.
નવા વર્ષની શરૂઆતમાં જ હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ
અંબાલાલ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અરબ સાગરમાં ભેજના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠું થાય તેવી શક્યતા છે. અરબ સાગર અને બંગાળના અખાતનો ભેજ આ બે પરિબળ હવામાનના પલટા માટે કારણભૂત રહેશે. આ ઉપરાંત દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં કરા સાથે વરસાદ કે ભારે હિમવર્ષા થશે.જમ્મુ કાશ્મીર, હિમાચલ, હરિયાણા અને દિલ્હીના ભાગોમાં કડકડતી ઠંડી પડવાની શક્યતા છે. કોઈ જગ્યાએ તાપમાન 0 ડિગ્રીથી માઇન્સમાં જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નવા વર્ષની શરૂઆતમાં જ હવામાનમાં પલટો આવે તેવી આગાહી કરી છે.
આ પણ વાંચોઃગુજરાત આગામી દિવસોમાં ઠંડી માટે તૈયાર, અંબાલાલ પટેલે કરી આ આગાહી