ટ્રાન્સપોટર્સ દ્વારા રાજ્યના આ બે હાઈવે ઉપર ટોલ નહીં ભરવાની ચીમકી, જાણો કેમ?
વડોદરા, 4 ડિસેમ્બર : રાજ્યમાં કેટલાક એવા હાઈવે છે જેનો ટોલ ઉઘરાવવાનો ક્વોટો પૂર્ણ થઈ જવા છતાં પણ હજુ વાહનચાલકોને તેઓ બેફામ ટોલ ઉઘરાવી ખંખેરી રહ્યા છે ત્યારે આવા બે હાઈવે વડોદરા-હાલોલ અને અડાલજ મહેસાણા રોડ ઉપર ઉઘરાવવામાં આવતા ટોલ ટેક્સથી કંટાળી ગયેલા ટ્રાન્સપોટર્સ હવે લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. કારણકે રાજ્યમાં 16 લાખ કોમર્શિયલ વાહનધારકો આગામી 21મી ડિસેમ્બરથી બંને ટોલ રોડ પર ટોલ ભરવાનો ઇન્કાર કરશે.
જાણવા મળ્યા અનુસાર વડોદરા-હાલોલ અને અડાલજ મહેસાણા હાઈવે ઉપર વર્ષ 2001-02થી ટોલ ટેક્સ વસૂલવાનું ચાલુ છે. ત્યારે 23 વર્ષથી ટોલ લેવા છતાં હજુ સુધી ટાર્ગેટ પૂર્ણ થવાનું નામ લેતું નથી જેના પગલે ઓલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ ઍસોસિયેશને આ રોડ ઉપર ટોલ ચુકવવાનો બહિષ્કાર કરવાની હાકલ કરી છે. જે અંગે સરકારમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે.
રૂ.500 કરોડના ખર્ચ સામે રૂ. 3000 કરોડ વસૂલી લેવાયા
આ અંગે ઓલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ ઍસોસિયેશનના પૂર્વ પ્રમુખ મુકેશ દવેએ કહ્યું હતું કે, સરકાર સાથે રસ્તો બાંધવાનો કરાર કર્યો તેમાં કંપનીએ તેને 20% વાર્ષિક નફો મળવો જોઈએ તેવી શરત મૂકી હતી. એટલે કે રૂ.500 કરોડના રોકાણ પર રૂ.100 કરોડનો નફો કરવાની શરત મૂકવામાં આવી હતી. નાણાંકીય વર્ષ દરમિયાન કંપનીને રૂ.100 કરોડનો નફો ન થાય અને માત્ર રૂ.75 કરોડનો નફો થાય તો બાકી રૂ.25 કરોડ મૂડીમાં ઉમેરાય અને તેના પર 20%નો વધુ નફો કરવાની છૂટ મળવી જોઈએ તેવી શરત રાખી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ મુજબ તેને 2030ની સાલ સુધી ટોલ વસૂલવાની છૂટ મળેલી છે. આ શરતને આધીન રહીને 2010ની સાલમાં રાજ્ય સરકારે રૂ.1910 કરોડ રિકવર કરવાની છૂટ આપી હતી. આ રકમ 2030ની સાલ સુધીમાં રિકવર કરવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. પરંતુ 2030 સુધીમાં 1910 કરોડ વસૂલ ન થાય તેમ હોવાનું જણાવીને કંપનીએ તેની ટોલ વસૂલ કરવાની મુદત 2040 સુધી લંબાવી આપવાની માગણી મૂકી છે. જેનો હવે વિરોધ થવા જઈ રહ્યો છે.
આ પણ વાંચો :- બનાસકાંઠામાં 4 સહિત રાજ્યમાં વધુ 21 GIDC સ્થપાશે